સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે જિલ્લાના બે અલગ-અલગ વિસ્તારોમાંથી ઇલેક્ટ્રિક પેનલ અને બેટરીનો જથ્થો વેચાણ કરે તે પહેલાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કોસંબા ગામના હદ વિસ્તારમાંથી પોલીસે ચોરી કરનાર બે આરોપીઓ અને મુદ્દામાલ ખરીદનાર આરોપીને ઝડપી પાડી ૨.૬૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કોસંબા અને માંડવી વિસ્તારમાંથી ઇલેક્ટ્રિક પેનલ અને બેટરીનો જથ્થો ચોરી કરવામાં આવ્યો હતો.
દરમિયાન કોસંબા પોલીસ મથકના પી.આઈ એ.ડી.ચાવડા, એ.એસ.આઈ મુકેશભાઈ જયદેવભાઈ તથા હે.કો અનિલભાઈ રામજીભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે હરિયાલ ખાતે રહેતો તીર્થરાજ કલ્લુભાઈ પટેલ અને સત્તાર ઉર્ફે સમીર મલંગ દેવાન નામના ઈસમો બેટરી ચોરી કરી છે. એ ચોરીનો મુદ્દામાલ કોસંબા ઓવરબ્રિજ પાસે હેમરાજ પ્રભુલાલ પ્રજાપતિને વેચાણ કરવા માટે ભેગા થયેલ છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી રેડ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્રણે પાસેથી ઇલેક્ટ્રિક દ્રાઈવ ફ્રિકવન્સી ઇનવર્તર ડેલ્ટાદ્રાઈવ નંગ ૧૪, અલગ કંપનીઓની બેટરી નંગ ૫, મોબાઇલ નંગ ૩ અને રોકડ મળી ૨,૬૦,૪૦૦નો કુલ મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


















Recent Comments