સુરેન્દ્રનગરના કોઠારીયાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ
સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ૧૦ વર્ષ પહેલા ધોરીયા નાની કેનાલની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી પાણીના બદલે તંત્ર દ્વારા સાફસફાઇ જ કરવામાં આવતા અને પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. જાે આ કેનાલમાં પાણી આવે તો ગામના ૧૦૦થી વધુ ખેડૂતોના ખેતરોમાં પિયતનું પાણી મળી રહે. સુરેન્દ્રનગર જિલ્લામાં જગતના તાતના ખેતરો સુધી પાણી પહોંચી શકે તે માટે નર્મદા કેનાલની સુવિધા કરાઇ હતી. પરંતુ હાલના સમયે પણ ગ્રામ્ય પંથકના ખેડૂતોના ખેતરોમાંથી પેટા કે નાની કેનાલો કાઢવામાં આવી છે. પરંતુ પાણીનું એક ટીપું પણ મળતુ ન હોવાની બુમરાણો ઉઠી છે. ત્યારે વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના મોટાભાગના ખેડૂતો ખેતમજૂરી કરીને ખેતરોમાં પાકો લઇ રહ્યા છે. પરિણામે કોઠારીયા ગામ ગૌશાળા પાસેથી મોટી નર્મદા કેનાલ પસાર થાય છે.
જેમાંથી માઇનોર થ્રી શિયાણી પેટા કેનાલ અલગ નિકળી છે. અંદાજે ૧૦ વર્ષ પહેલા ગામના ૩૦ ખેડૂતોના ખેતરોમાં ધોરીયા નાની કેનાલનો લાભ મળવાની આશાએ ખેડૂતોએ મોંઘી કિંમતની જમીનો આપી હતી. તેમ છતાં ૧૦ વર્ષથી વધુ સમયગાળો થવા છતાં નાની ધોરીયા કેનાલમાં આજદિન સુધી ખેડૂતો પાણીની આશા રાખી રહ્યા છે. ત્યારે હજુ સુધી ખેડૂતોને પાણી ન મળતા અને પૈસા ખર્ચીને પાણી લાવીને ખેતરોના પાકોને પાણી પુરૂ પાડી રહ્યા છે, ત્યારે ખેડૂતોમાં બૂમરાણ ઉઠી છે. ગામના ૧૦૦થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણીનો લાભ ન મળતા રોષ ફેલાયો હતો. આ અંગે મનજી લકુમ, ચમન કણઝરીયા, ધીરૂ લકુમ, વશરામ લકુમ , રાજુ વગેરે એ આક્રોશ સાથે જણાવ્યું કે, તંત્ર તેમજ કેનાલના કોન્ટ્રક્ટરો દ્વારા દર વર્ષે નાની ધોરીયા કેનાલની સાફસફાઇ કરવામાં આવે છે. આ કેનાલથી પાણી ક્યારે મળશે ? તે પ્રશ્ન ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યો છે. દર વર્ષે માત્ર કેનાલની સાફ સફાઇ થતાં રોષ ફેલાયો છે.
Recent Comments