ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે ચૂંટણી નોડલ અધિકારીઓની એક સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિમાયેલા ચૂંટણીલક્ષી વિવિધ બાબતોનાં નોડલ અધિકારીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ માટે તાલીમ, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, સંગ્રહ અને પરિવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઈઝેશન, વોટર હેલ્પલાઈન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃતિઓ સહિતની બાબતોનાં નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા ચૂંટણીની સંભવિત તારીખ પહેલા તમામ પૂર્વ તૈયારીઓ સુચારૂપણે પૂર્ણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા અને તે રીતે આયોજન કરવા અંગે માર્ગદર્શન-નિર્દેશ આપ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ સમગ્ર જિલ્લામાં મતદાર યાદી સંબંધિત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી ફોર્મ-૬, ૭ અને ૮ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

સંવેદનશીલ મતદાન મથકોની સમીક્ષા કરી યોગ્ય પોલિસ બંદોબસ્ત અંગે આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. મતદારો લોકશાહીના પર્વનો લાભ લઈને,પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યકમો યોજવા તેમણે સૂચના આપી હતી. ચૂંટણી પંચનાં નિર્દેશ અને સૂચના અનુસાર ઈવીએમ મથકો, મતદાન મથકો પર દિવ્યાંગો મતદારો માટેની વ્યવસ્થા, ચૂંટણી કામગીરીમાં જાેડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ, ચૂંટણી નિરીક્ષકો માટે કરવાની વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે તેમણે ચર્ચા હાથ ધરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, અધિક નિવાસી કલેકટર દર્શના ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે.મજેતર સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts