દિલ્હી હાઇકોર્ટે સ્વર્ગસ્થ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં જીવન પર આધારિત ફિલ્મ ‘ન્યાયઃ ધ જસ્ટિસ’નાં ઓનલાઇન સ્ટ્રિમિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. ન્યાયમૂર્તિ સી હરિશંકરે જણાવ્યું હતું કે, અભિનેતાનાં અવસાનથી તેમનાં વ્યક્તિત્વ અને ગુપ્તતાના અધિકાર રદ થઈ ગયા છે. સુશાંતના પિતા કૃષ્ણ કિશોરસિંહે અદાલતમાં અરજી કરીને એવો દાવો કર્યો હતો કે ફિલ્મમાં બદનક્ષીજનક સંવાદો અને સમાચાર લેખ સામેલ છે, જેનાંથી સુશાંતસિંહ રાજપૂત સાથે સંકળાયેલા વ્યક્તિત્વ અને અધિકારોનું ઉલ્લંઘન થાય છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને જૂન ૨૦૨૧માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ હરિશંકરે કોઇ પણ મનાઇહૂકમ આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, સુશાંતનાં મૃત્યુ બાદ વ્યક્તિત્વ અધિકારોની સાથે સાથે ગોપનિયતા અને પ્રચાર (પ્રાઇવસી અને પબ્લિસિટી રાઇટ્સ)ના અધિકાર પણ નાબૂદ થઈ ગયા છે. કોઇ વ્યક્તિનાં અવસાન બાદ તેનાં અધિકાર તેના સંબંધી (પિતા)ને વારસામાં ન આપી શકાય. અદાલતે એમ પણ જણાવ્યું કે, ફિલ્મ માટે જે માહિતી એકત્ર કરવામાં આવી છે તે પહેલેથી જ જાહેર જ હતી. મિડીયામાં પ્રસિધ્ધ થયેલા લેખો અને સમાચારો પરથી જ ફિલ્મની સામગ્રી એકત્ર કરવામાં આવી છે. મિડીયા અહેવાલોનાં આધારે ફિલ્મ બનાવવામાં કંઇ ખોટું નથી અને તેનાં માટે કોઇની મંજૂરી લેવાની પણ જરૂર નથી. ફિલ્મ ઓટીટી પર પહેલેથી જ રિલીઝ થઈ ચૂકી છે અને ઘણાં લોકો તે જાેઈ ચૂક્યા છે ત્યારે હવે તેનાં પર સ્ટે મૂકવામાં કોઇ ઔચિત્ય જણાતું નથી.
સુશાંતસિંહ રાજપૂત પર બનેલી ફિલ્મ પર સ્ટે આપવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇનકાર

Recent Comments