તા.૧૦ ઓગસ્ટ,૨૦૨૪ના રોજ ગુજરાત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી થશે. એશિયાટિક સિંહ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. સિંહ સંરક્ષણ, સંવર્ધન સહિતની બાબતે ગુજરાત રાજય સરકારના પ્રયાસો અને સ્થાનિક નાગરિકો સિંહ પ્રત્યેની લાગણીને લીધે સિંહ સંવર્ધન ઉત્કૃષ્ટ રીતે થઇ રહ્યું છે. એશિયાઇ સિંહની સંખ્યામાં ઉતરોત્તર નોંધપાત્ર વધારો છે. જુન-૨૦૨૦ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને ૬૭૪ થયો છે. વસ્તીમાં વધારો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે. સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં વિહરતા જોવા મળે છે જેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીખે ઓળખવામાં આવે છે, આ લેન્ડસ્કેપ જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે.
દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી કરવામાં આવે છે. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત સરકારશ્રી, ગુજરાત વન વિભાગ અને સ્થાનિક નાગરિકો દ્વારા વર્ષ ૨૦૧૬થી કરવામાં આવી હતી.
આ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો, એન.જી.ઓના સભ્યો, સ્થાનિક લોકો, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લે છે. આ સહિયારા પ્રયાસો એશિયાઇ સિંહના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ વર્ષે, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં સાસણ-ગીર ખાતે રાજ્ય-કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જે પછી સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે. ગુજરાત સરકારના માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા પણ આ શુભ અવસરે હાજરી આપશે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી ફીઝીકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે કરવામાં આવશે. આ વર્ષે ફીઝીકલ ઉજવણીમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લા : જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવ-ભુમી દ્વારકા, મોરબી અને જામનગરની ૧૧,૦૦૦થી વધુ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ ભાગ લેશે. આ ઉજવણી માટે દરેક શાળા કોલેજોમાં કીટ તૈયાર કરી પહોંચતી કરવામાં આવેલ છે. આ ઉજવણી માટે સિંહના મ્હોરા, બેનર, પેમ્ફલેટ, પ્રતિજ્ઞા પત્ર, સેલ્ફી માટેની સ્ટેન્ડીઓ, ગોળ સ્ટીકર અને એ ૪ સાઇઝના સ્ટીકરો બનાવી વિતરણ કરવામાં આવેલ છે. આ ઉજવણીમાં એશિયાઇ સિંહના સંરક્ષણના હેતુ સાથે જનપ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એન.જી.ઓ, નાગરિકો અને સરકારી અધિકારીઓ સહિત વિવિધ લોકો શાળામાં એકત્રિત થશે તેમજ રેલીઓ, ભાષણો અને પ્રતિજ્ઞા લેવા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
વર્ચ્યુઅલ ઉજવણીમાં વ્યક્તિઓ એશિયાઇ સિંહો વિશે જાગૃતિ ફેલાવવા માટે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી જોડાઇ શકશે. આ ઉજવણી માટે બેનરો, પંચલાઈન, ટેક્સ્ટ સંદેશાઓ, શુભેચ્છાઓ, ઈ-મેઈલ, ગ્રાફિક્સ, રીલ્સ અને ટૂંકા વિડિયો સહિતની ડિજિટલ અસ્કયામતોની શ્રેણી, વ્યાપક સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરી પ્રસારિત કરવામાં આવી છે. વધુમાં, વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર હેઝટેગ “#worldlionday2024” નો ઉપયોગ કરીને વ્યક્તિઓ તેમની પોતાની બનાવેલી પોસ્ટ મુકી શકશ. સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રભાવશાળી વ્યક્તિઓ આ સંદેશાને વધુ લોકો સુધી પહોચતું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. વધુમાં, વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ ધરાવતા ૭૫ લાખથી વધુ ટેક્સ્ટ સંદેશાઓ ગુજરાતમાં મોબાઇલ સબસ્ક્રાઇબર્સને મોકલવામાં આવશે. આ ઉપરાંત ૩ લાખથી વધુ ઇ-મેઇલ સબસ્ક્રાઇબર્સને સિંહ દિવસની શુભેચ્છા ધરાવતો ઇ-મેઇલ મોકલવામાં આવશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર રાજ્ય કક્ષાની ઉજવણીનું SatCom, YouTube અને અન્ય માધ્યમો દ્વારા ભાગ લેનાર શૈક્ષણિક સંસ્થાઓમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઇ સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સામૂહિક પ્રતિબદ્ધતા એશિયાઇ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયારા ઉદ્દેશ્યથી પ્રેરિત છે. વિશ્વ સિંહ દિવસ સંબંધિત વધારાની સામગ્રી માટે કૃપા કરીને https://drive.google.com/drive/folders/1DQInmSuCcuf LO3KykZUSW5T8BwCgTWQ?usp=sharing લિંકની મુલાકાત લેવા અનુરોધ છે.
Recent Comments