સૌરાષ્ટ્રમાં ભાજપમાંથી પ્રચાર કરવા વડાપ્રધાન મેદાને ઉતરશે
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થનાર છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી રાજકીય પાર્ટીઓએ પ્રચાર વેગવંતો બનાવશે. સૌરાષ્ટ્રમાં ભાજપમાંથી ખુદ વડાપ્રધાન સ્ટાર પ્રચારક બની ઝંઝાવાતી પ્રચાર કરવા મેદાને ઉતરશે. ૨૦મીએ નરેન્દ્ર મોદી અમરેલી, ધોરાજી, બોટાદ અને વેરાવળમાં જાહેર સભા સંબોધશે. રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર મળી આઠ બેઠક માટે તા.૧૪ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ ભરાયેલા તમામ ફોર્મની તા.૧૫ના ઓબ્ઝર્વરની હાજરીમાં ચકાસણી કરવામાં આવી હતી, આઠેય બેઠકના મળી કુલ ૧૭૦ ફોર્મ ભરાઇને રજૂ થયા હતા જેમાંથી ૮૧ ફોર્મને માન્ય રાખવામાં આવ્યા હતા. રાજકોટ વિધાનસભા-૬૮માં ઉમેદવારી માટે ૯૨ ફોર્મ ઉપડ્યા હતા, જેમાંથી ૨૮ ફોર્મ રજૂ થયા હતા, ફોર્મ ચકાસણીના અંતે ૧૨ ફોર્મ માન્ય રહ્યાં હતાં, વિધાનસભા-૬૯માં ૭૫ ફોર્મ ઉપડ્યા હતા, ૨૬ ફોર્મ રજૂ થયા હતા જેમાંથી ૧૫ ફોર્મ માન્ય રહ્યાં હતાં, વિધાનસભા-૭૦માં ૭૭ ફોર્મ ઉપડવાની સામે ૨૭ ફોર્મ ભરાયા હતા.
Recent Comments