સૌરાષ્ટ્રમાં લીંબડીની સગીરા પર દુષ્કર્મ કરનાર શિક્ષકને થઇ આજીવન કેદની સજા
લીંબડીની મસ્જિદમાં ઉર્દૂનું શિક્ષણ આપતો રાણપુરનો શિક્ષક સગીરાને લલચાવી ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈમાં જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આ અંગે લીંબડી પોલીસ મથકે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હવસખોરને આજીવન કેદની સજા ફટકારી હતી.લીંબડી શહેરની મસ્જિદમાં મુસ્લિમ સમાજના બાળકોને ઉર્દૂ ભાષાનું શિક્ષણ આપવામાં માટે રાણપુરના નૂરમહંમદ લીયાકતહુસેન સૈયદને રાખવામાં આવ્યો હતો. નૂરમહંમદ સૈયદ મસ્જિદ સિવાય લોકોના ઘરે જઈને પણ બાળકોને ઉર્દૂ શિખવતો હતો. તા.૫ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ નૂરમહંમદ ૧૩ વર્ષ અને ૪ માસની બાળકીને ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો.
મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં મકાન રાખી નૂરમહંમદે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોએ નૂરમહંમદ સામે લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લીંબડીની કોર્ટમાં કેસ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ કિરણભાઈ શાહે એવી દલીલો કરી હતી કે આરોપી પોતે ૨૬ વર્ષનો છે જ્યારે સામે ભોગ બનનારની ઉંમર બાળકી જેવી જ છે. આટલું જ નહી પરંતુ તે બાળકીના ઘરે જઇને ધાર્મિક શિક્ષણ આપતો હતો. આ કેસમાં આરોપીને કડક સજા કરવી જઇએ તેવી દલીલો કરીને કેસને સમર્થન આપતા પુરાવાઓ પણ રજૂ કર્યા હતા.
જ્યારે સામે આરોપી પક્ષના વકીલે એવી દલીલો કરી હતી કે આરોપી લાંબા સમયથી જેલમાં છે. તેની આર્થિક સ્થિતિ નબળી છે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી, આ પહેલો જ ગુનો હોય તેના ઉપર રહેમ રાખીને ઓછી સજા કરવા અપીલ કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાને રાખી લીંબડી એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ.કે.ચૌહાણે આરોપી નૂરમહંમદને આજીવન કેદની સજા ફટકારી હતી. ભોગ બનનારને રૂ.૫૦ હજાર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
Recent Comments