સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પેપર લિકની તપાસ થાય ત્યાં સુધી સિન્ડિકેટ મેમ્બર રાજીનામું આપે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસ અગાઉ બી.કોમ અને બીબીએ સેમેસ્ટર-૫ની પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવી હતી.આ પેપર લિકની ઘટનાને લઈને એનએસયુઆઈ એ યુનિવર્સીટીના જ સિન્ડિકેટ મેમ્બર પર આક્ષેપ કર્યા છે. એનએસયુઆઈ ની માંગણી છે કે જ્યાં સુધી તપાસ પુરી ના થાય ત્યાં સુધી તમામ સિન્ડિકેટ મેમ્બરે રાજીનામાં આપવા. એનએસયુઆઈ દ્વારા પેપર લીક મામલે સતત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં અત્યાર સુધી ૨૨ કરતા વધુ પેપર લીક થયા છે. પેપર લિકની ઘટના સામાન્ય બની છે. સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવી રહી નથી. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
તપાસ દરમિયાન કોઈ દખલગીરી ના થાય તે માટે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર તપાસ પુરી ના થાય ત્યાં સુધી રાજીનામુ આપે. પેપર લીક થયાના ૨૪ દિવસ પૂર્ણ થઈ ગયા છે. છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કુલપતિ અને સિન્ડિકેટ મેમ્બર વચ્ચેના વિવાદના કારણે જ પેપર લીક રહ્યા છે. સિન્ડિકેટ મેમ્બર ભાજપના જ છે અને પેપર લિકમાં સંડોવણી હોવાને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હજુ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Recent Comments