સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી કરવાનો નિર્ણય
યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરી નથી, કાયમી પ્રોફેસરો વિના વિદ્યાર્થીઓને કોણ ભણાવશે, કેવું ભણાવશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું તેની રતિભાર પણ ચિંતા પાંચ વર્ષ દરમિયાન કુલપતિએ કરી નથી અને બુધવારે વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કુલપતિની ચેમ્બરમાં અઢી કલાક સુધી ધમાલ મચાવી, રામધૂન બોલાવી, સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા સત્તાધીશો દબાણમાં આવતા તાબડતોબ ફાઈલો મગાવી ૪૮ કલાકમાં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવા લેખિત બાંહેધરી આપવી પડી હતી.
એકબાજુ પાંચ-પાંચ વર્ષથી ભરતી ન કરી, બીજી બાજુ દબાણ આવતા માત્ર ૧૦ જ મિનિટમાં ર્નિણય લીધો કે ૪૮ કલાકમાં જાહેરાત પ્રસિદ્ધ કરવી. કુલપતિ અને રજિસ્ટ્રાર એક તબક્કે કાયમી ભરતી માટેની લેખિત બાંહેધરી આપવા ઇનકાર કરી દીધો હતો, પરંતુ ઉપકુલપતિએ પોતાના જાેખમે, પોતાની જવાબદારીએ ૪૮ કલાકમાં ભરતીની જાહેરાત કરવા લેખિતમાં બાંહેધરી આપી હતી. કોલેજાેના પ્રથમ સેમેસ્ટરના અનેક વિદ્યાર્થીઓ પાસેથી ૧-૧ હજાર રૂપિયા લઇ લીધા પરંતુ દોઢેક વર્ષથી ટેબ્લેટ નહીં અપાતા વિદ્યાર્થી રોષે ભરાયા હતા અને તાત્કાલિક ધોરણે ટેબ્લેટ આપવા અથવા પૈસા પરત આપવા માગણી કરી કરી હતી.
આ અંગે ઉપકુલપતિએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બાકી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી દેવાશે. વિદ્યાર્થી સંગઠનની ઉગ્ર રજૂઆત બાદ કાયમી ભરતી અંગે જ્યારે રજિસ્ટ્રારને પ્રક્રિયા કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એકસાથે બે-બે હોદ્દાનો ચાર્જ સાંભળી રહેલા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર નિલેશ સોનીએ કહ્યું હતું કે, મારું રાજીનામું લેવું હોય તો લઇ લો, અત્યારે જ આપી દઉં પરંતુ હું કાયમી ભરતી મુદ્દે લેખિત બાંહેધરીમાં સહી નહીં કરું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લે વર્ષ ૨૦૧૬માં ડૉ. પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળ દરમિયાન ૩૨ પ્રોફેસરની ભરતી થઇ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં ફરી ૫૮ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી પરંતુ આ ભરતીમાં ૩૩% મહિલા અનામત અને ઇડબ્લ્યુએસની જગ્યા મુદ્દે વિવાદ થતા યુનિવર્સિટીના જ કેટલાક પ્રોફેસરોએ કોર્ટમાં દાવો કર્યો હતો.
ત્યારપછી આ ભરતી પ્રક્રિયા ટલ્લે ચડી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષે ૧૩ લાખ રૂપિયા માત્ર સફાઈ પાછળ ખર્ચવામાં આવતા હોવા છતાં બોયઝ હોસ્ટેલ ‘ગિરનાર’ની ‘જંગલ’ જેવી હાલત થઇ જતા સફાઈ અને પાણીની પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ ત્રસ્ત થયા છે. વિદ્યાર્થીઓએ અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા બુધવારે વિદ્યાર્થી સંગઠને ઉગ્ર રજૂઆત કરતા તાત્કાલિક માણસો બોલાવીને હોસ્ટેલની સફાઈનું કામ શરૂ કરાવ્યું હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી.
Recent Comments