સૌરાષ્ટ્ર યુનિ.ની બેઠકમાં ૪૧ બી.એડ. કોલેજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સોમવારે બી.એડ. કોલેજાે માટે વિદ્યાર્થીઓની હાજરી, નોંધપોથી, એફઆરસી પ્રમાણેની ફી સહિતના જે નિયમો નક્કી કર્યા છે તે આગામી ઓગસ્ટ માસથી નવું સત્ર શરૂ થશે ત્યારથી અમલી રહેશે. હાલ બી.એડ. કોલેજાેમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. નવા સત્રથી નવા નિયમો અમલી થશે. યુનિવર્સિટીમાં બી.એડ. કોલેજાેના ટ્રસ્ટીઓની બેઠક બોલાવ્યા બાદ હવે આગામી તારીખ ૨૭ જુલાઈને તમામ બી.એડ. કોલેજાેના આચાર્યોની પણ મિટિંગ બોલાવવામાં આવી છે જેમાં દરેક આચાર્યએ પોતાની કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી કેમ પૂરવી, ઓનલાઈન ડેટા કેમ અપલોડ કરવો, નોંધપોથીમાં કઈ કઈ બાબતો સમાવવી સહિતની બાબતો અંગે ચર્ચા કરી આચાર્યોને જરૂરી સૂચના અપાશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજાેના ટ્રસ્ટીઓની ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં બી.એડ. કોલેજાેમાં ચાલી રહેલા ઘેરબેઠાં બી.એડ. કરાવવાના દૂષણ બંધ કરવા, ઊંચી ફી વસૂલવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ બેઠકમાં જે કોલેજાે આવું કરી રહી છે
તેની સામે દાખલારૂપ કડક કાર્યવાહી તો કુલપતિએ કરી ન હતી પરંતુ હવે બી.એડ. કોલેજાે માટે કેટલાક નિયમો આ મિટિંગમાં ઘડ્યા છે. બી.એડ. કોલેજાેના ટ્રસ્ટીઓની બેઠકમાં એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી કોઈ કોલેજ વસૂલી શકશે નહીં. આ ઉપરાંત દરેક બી.એડ. કોલેજાેએ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત પૂરવી અને તે હાજરીનો ડેટા દર ૧૫ દિવસે કોલેજની વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ કોલેજમાં જે પ્રાયોગિક કાર્યો કરે છે તેની પણ નોંધપોથી બનાવવી અને યુનિવર્સિટીનું જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે તે રજૂ કરવા ર્નિણય કર્યો છે. કુલપતિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ૪૧ બી.એડ. કોલેજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. બી.એડ. કોલેજાેની એફઆરસી પ્રમાણેની ફી લગભગ ૩૨થી ૪૨ હજાર સુધી પ્રતિવર્ષ છે.
તેનાથી વધુ ફી કોલેજાે વસૂલી નહીં શકે તેવી સૂચના આપી છે. હાલ કોલેજાેએ સોફ્ટવેરમાં ઓનલાઈન દર ૧૫ દિવસે વિદ્યાર્થીઓની હાજરી પૂરવાની રહેશે જેનું પણ યુનિવર્સિટી ચેકિંગ કરશે. કોલેજાેએ ક્યો વિદ્યાર્થી હાજર છે અને ક્યો ગેરહાજર છે તેની દરરોજની હાજરી અપડેટ રાખવી પડશે. કોલેજાેમાં ચાલતા પ્રાયોગિક કાર્યો જેવા કે માઈક્રો ટીચિંગ, એકમ પાઠ, છૂટા પાઠ, સેતુ પાઠની પણ નોંધપોથી રાખવી પડશે. દરેક કોલેજના પ્રોફેસરે આ નોંધપોથીમાં દરરોજ સહી કરવી પડશે. યુનિવર્સિટી જ્યારે ઇન્સ્પેક્શન કરાવે ત્યારે દરેક કોલેજાેએ તે બતાવવી પડશે.
Recent Comments