સ્કૂલો ખુલી છતાં બાળકોને સ્કુલે લઈ જનાર ડ્રાઈવરોની સ્થિતિ ના સુધરી,કોરોના મહામારીના કારણે ઘણાં લોકોના રોજગાર-ધંધા ઠપ થઈ ગયા છે.
રોજગાર મેળવવા માટે કેટલાય લોકોએ ખાણીપીણીના સ્ટોલ શરૂ કર્યા છે. આવા જ એક વ્યક્તિ છે કિશોર સોલંકી. જેઓ એક સમયે વાન ડ્રાઈવર હતા અને હાલ ઘર ચલાવા માટે નાસ્તો વેચી રહ્યા છે. મેમનગરના કિશોર સોલંકીએ પોતાની સ્કૂલ વાનને હરતી-ફરતી ખાણીપીણીની દુકાનમાં ફેરવી દીધી છે. તેઓ પોતાની વાનમાં મેંદુવડા અને ઈડલી જેવી સાઉથ ઈન્ડિયન વાનગીઓ વેચે છે. આ એ જ વાન છે જેમાં ૫૧ વર્ષીય કિશોર સોલંકી મહામારી પહેલા બાળકોને સ્કૂલે મૂકવા-લેવા જતા હતા.
વેજલપુર વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષીય રિતેશ શાહે કોરોના મહામારી શરૂ થઈ તેના આઠ મહિના પહેલા જ નવી સ્કૂલ વાન ખરીદી હતી. “અગાઉ હું બસ ચલાવતો હતો. પરંતુ જે સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવા બસ ચલાવતો હતો, ત્યાંના સત્તાધીશોએ આ સેવા બંધ કરી દીધી. તેમણે જ મને વાન ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જ્યારે સ્કૂલો બંધ થઈ ગઈ ત્યારે મેં મારી વાનમાં દૂધ વેચવાનું શરૂ કર્યું હતું પરંતુ મને આર્થિક નુકસાન થવા લાગ્યું, જેથી મેં તે વ્યવસાય બંધ કરી દીધો”, તેમ રિતેશ શાહે કહ્યું. આજે રિતેશભાઈ પાણીપુરી વેચે છે અને દિવસના ૫૦૦ રૂપિયા જેટલી કમાણી કરે છે. ઈન્દ્રવદન મોદીનો પરિવાર વાન ચલાવાના વ્યવસાયમાં ઘણાં વર્ષોથી છે અને આ તેમની બીજી પેઢી છે. ઈન્દ્રવદનભાઈ પાસે ૧૦ વાનનો કાફલો છે અને ૧૧ ડ્રાઈવરોને નોકરીએ રાખ્યા છે. પરંતુ સ્કૂલો બંધ થઈ જતાં બધી વાનો ધૂળ ખાઈ રહી છે અને મોટાભાગના ડ્રાઈવરોએ ગુજરાન ચલાવા નવી નોકરી શોધી લીધી છે.
ઈન્દ્રવદન મોદી હાલ સ્પેશિયલાઈઝ્ડ આલ્કલાઈન વૉટરના મશીન વેચે છે. “હું બાળકોને સ્કૂલે લેવા-મૂકવા જવાના ધંધા દ્વારા દર મહિને ૧૨,૦૦૦ રૂપિયા કમાતો હતો. મહામારીના કારણે સ્કૂલો હવે ઓનલાઈન ચાલે છે જેના કારણે મારી આવક અટકી ગઈ છે. ઘર ચલાવવા માટે રૂપિયા ઉધાર લીધા બાદ મેં મારો વ્યવસાય બદલવાનો ર્નિણય કર્યો. મેં મારી વાનને ખાણીપીણીની દુકાનમાં ફેરવી દીધી. મારી પત્ની ભોજન બનાવે છે અને હું વેચું છું”, તેમ કિશોર સોલંકીએ જણાવ્યું. કિશોરભાઈ માટે વ્યવસાય બદલવો સરળ નહોતો. ગુજરાન ચલાવા આ નવો વ્યવસાય શરૂ કર્યો તે પહેલા તેઓ ૬ મહિના સુધી બેરોજગાર રહ્યા હતા. કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળામાં શિક્ષણ બંધ થયું હતું અને ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. પરિણામે ઘણાં સ્કૂલ વાન ડ્રાઈવર બેરોજગાર થયા હતા. નજીકના ભવિષ્યમાં પણ સ્થિતિ સુધરવાના એંધાણ વર્તાતા નથી કારણકે ધોરણ ૮-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરાયું છે તેમ છતાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
Recent Comments