ભાવનગર

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રતિનિધિમંડળ મ્યુનિસિપલ કમિશનરની મુલાકાતે

ગુજરાતમાં રમાઇ રહેલાં નેશનલ ગેમ્સ અન્વયે ભાવનગરમાં ચાર ગેમ હેન્ડ બોલ, ૩૩ બાસ્કેટ બોલ, ૫૫ બાસ્કેટ બોલ, વોલીબોલની રમત રમાવાની છે. જેની તૈયારીઓની સમીક્ષા માટે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી એસ.સી. શર્માના નેતૃત્વમાં ભાવનગર ખાતે જ્યાં આ ગેમ્સ રમાવાની છે તેવાં સીદસર ખાતેના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની આજે વહેલી સવારે મુલાકાત લીધા બાદ ભાવનગરના મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાયની મુલાકાત લીધી હતી.

        પ્રતિનિધિમંડળે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કમિરનરશ્રીની મુલાકાત લઇને તંત્રની તૈયારીઓ વિશેની વિગતો જાણી હતી. કમિશનરશ્રીએ પ્રતિનિધિમંડળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સુશોભન, લાઇટીંગ, પેઇંન્ટિંગ, રસ્તાઓ પર રમતને પ્રોત્સાહિત કરતાં બેનર-હોર્ડિંગ્સ સહિત હાથ ધરેલી વિવિધ વ્યવસ્થાઓ વિશેની જાણકારી આપી હતી.

        કમિશનરશ્રીએ પાણી, સેનિટેશન, વાહન વ્યવસ્થા, પાર્કિંગ વગેરે વિશે તંત્ર દ્વારા ઉઠાવવામાં આવેલ વિવિધ પગલાઓ વિશેની જાણકારી પ્રતિનિધિમંડળને આપી હતી.

        કમિશનરશ્રીએ પ્રતિનિધિમંડળની મુલાકાત મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રતિનિધિમંડળે ભાવનગર ખાતે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે તેમનો સંતોષ વ્યક્ત કર્યો છે. તેઓએ જિલ્લાની પ્રતિબધ્ધતાથી કાર્ય કરવાની કાર્યશૈલીના વખાણ કરી અમે હવે રમતોના સફળ આયોજન બાબતે નિશ્ચિંચતતા વ્યક્ત કરી છે.

        કમિશનરશ્રીએ જણાવ્યું કે, ભાવનગર ખાતે આવનાર ખેલાડીઓને રોકાવા માટે હોટલો સાથે દર નિર્ધારણ સાથે તેમના ભોજન સહિતની વ્યવસ્થાઓ માટે એજન્સીઓ સાથે પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે.આ ગેમ્સની સફળતા માટે કોઇ કચાશ રાખવામાં નહીં આવે તેની પૂરતી કાળજી પણ તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.

        આ ગેમ્સ જ્યારે સાત વર્ષ પછી રમાઇ રહી છે અને ભાવનગરને આ માટેના આયોજનની તક મળી છે તે ભાવનગર માટે ગૌરવની બાબત છે. આ તકને ઝડપીને આપણે ગેમ્સ સફળતાપૂર્વક પૂરી થાય તે માટે કટિબધ્ધતાથી કાર્ય કરવાની પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

        આ પ્રતિનિધિમંડળમાં શ્રીનિવાસ માલેકર, મનિષકુમાર, કાલવા રાજેશ્વર રાવ સહિતના અધિકારીઓ જોડાયાં હતાં.

        કમિશનરશ્રીની આ મુલાકાત બાદ પ્રતિનિધિમંડળ રાજકોટ ખાતેની તૈયારીઓની સમીક્ષા માટે રાજકોટ તરફ રવાના થયું હતું.

Related Posts