સુરત:રવિવાર: સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે લોકોને જાગૃત કરવા માટે સુરતના મોટા વરાછાથી ચીકુવાડી જતા પુલની બન્ને સાઈડ પરના માર્જીન વે પર સુરત સિવિલ ડિફેન્સ-અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું.
હાલ રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન શરૂ છે. નાગરિકો ઉત્સાહભેર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે, ત્યારે તાપી નદીને સ્વચ્છ બનાવવાના આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છ રાષ્ટ્ર બને તથા સ્વચ્છતા જાગૃતિ સાથે અંધશ્રધ્ધાને નામે કચરો ફેંકતા લોકોને અટકાવવા, લોકો દ્વારા તાપી નદીમાં નાંખવામા આવતી પૂજા સામગ્રીના કચરાના નિકાલ અને પર્યાવરણ તથા તાપી શુદ્ધિકરણનો હતો.
સમગ્ર ગુજરાત કે દેશમાં પ્રથમ વખત આટલા જોખમ સહિત નદિના પુલ પર તમામ પ્રોટાકોલ્સ અને નિયમો સાથે સિવિલ ડિફેન્સ સુરતના અમરોલી ડિવિઝન દ્વારા મોટા વરાછા ખાતે આવેલ ચીકુવાડી તાપી બ્રિજ ની સફાઈ અભિયાનનુ સુંદર આયોજન થયુ, આ અભિયાનમાં સરથાણા ઝોન બી. આરોગ્યની ટીમના સહયોગથી સફાઈ ઝુંભેશ કરવામાં આવી.
તાપી નદીના પુલ ઉપર ખૂબ જોખમી જગ્યાએ ઉભા રહી પોતાના જીવ ને જોખમમાં મુકી સેફ્ટીના સાધનોનો પૂર્ણ ઉપયોગ કરી સફાઈ કરાઈ હતી. સમાજસેવક તથા જીવનરક્ષક તરીકે રાષ્ટ્રસેવા આપતા સિવિલ ડિફેન્સ, અમરોલી ડિવિઝનના ડિવિઝન વોર્ડન પ્રકાશકુમાર વેકરીયાએ સફાઈ ઝુંબેશનું વિચારબીજ રોપી જીવના જોખમે જાતે સફાઈ કામગીરી કરવા સાથે અન્યોને પણ પ્રેરણા આપી હતી. સાથોસાથ મનપા, ફાયર કર્મચારીઓએ કોઇપણ જાતના બેરીકેડ વિના, ટ્રાફિકને અવરોધ ન થાય એ પ્રકારે પુલ ઉપર સફાઇ હેતુ જોખમ લઇને કામગીરી કરી હતી.
વેકરીયાએ તાપી શુદ્ધિકરણ અભિયાનનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, અંધશ્રધ્ધાથી પ્રેરાઈ નદીમાં પૂજા અને ખાદ્ય સામગ્રી, કચરો ફેંકતા લોકોને અટકાવવા અને આવનારા સમયમાં પર્યાવરણ તથા લોકમાતા નદીઓના માધ્યમથી લોકોને ચોખ્ખુ પાણી મળી રહે અને સૌ નિરોગી જીવન જીવે એવી ભાવના છે. સાથે સાથે તેમણે પવિત્ર તાપી નદીમાં ગંદકી ના થાય, લોકો તેમાં પૂજાપો, ફળફૂલ, કચરો, ખાદ્યાન્ન, ભગવાનની જૂની છબિઓ, ફોટા ન ફેંકે તેમજ સ્વચ્છતા હી સેવાના સંકલ્પ સાથે સૌ શહેરીજનોને તાપી સહિત તમામ નદીઓને બચાવવા, તેનુ જતન અને સંવર્ધન, સ્વચ્છ-શુદ્ધ રાખવાની ભારપૂર્વક અપીલ કરી હતી.
આ અભિયાન પૂર્ણ થયા બાદ ખૂબ મોટા પ્રમાણમાં એકત્રિત કચરાનો મનપા ટીમ દ્વારા યોગ્ય નિકાલ કરાયો હતો. તથા સુરત સિવિલ ડિફેન્સ, અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ કામગીરીમાં જોડાયેલા સૌ કર્મચારીઓ-સ્વયંસેવકોનો આભાર વ્યકત કર્યો હતો.
તાપી સફાઈમાં વરાછા ઝોન બી ની આરોગ્ય ટીમ તથા યુનિવર્સલ ફાઉન્ડેશનની ટીમ તેમજ સરથાણાના આરોગ્ય વિભાગના મોટા વરાછા ટીમના એસ.આઈ. ડી બી.ભટ્ટ, એસ. એસ.આઈ. ડી.એન.સોલંકી, મકાદમ મીનાક્ષીબેન તેમજ મોટાવરાછા ફાયર ટીમ, સફાઈ કામદારોની ટીમ, સિવિલ ડિફેન્સ- અમરોલીના ડે. ડિવિઝનલ વોર્ડન આશિષ વડોદરીયા જોડાયા અને સાથે ડે.ચીફ નાવેદ શેખ તથા સિવિલ ડિફેન્સથી સરથાણા, ક્લ્પેશ બોરડ, દિપક ગોંડલીયા કતારગામથી મુકેશ રાજપુત તથા કાપોદ્રા ડિવિઝનથી જાલમભાઇ મકવાણા, તુષાર રુપારેલીયા, અમરોલીથી વિરલ વ્યાસ વગેરે ડિવિઝનોના પ્રતિનિધિઓ તથા ટ્રાફિક પોલીસ શાખાના દિનેશભાઈ રાઠવા, જેઠુરભાઈ ભવા સહિત ફાયર વિભાગથી એસ.ઓ ધીરુ ચૌહાણ તથા સંજય તાપરીયા, શક્તિસિંહ, કિરણ પટેલ, શક્તિદાન વગેરે જોડાયા હતા.
Recent Comments