સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાથી સુરત આવ્યા હતા તે નિમિત્તે સુરત ગુરુકુળમાં વિશેષ પૂજન કરાયું
અયોધ્યાથી ઘરનો ત્યાગ કરીને નીકળેલા ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની ધરતી પર સુરતમાં નીલકંઠ વર્ણીના વેશે પ્રથમ વખત પધાર્યા હતા.સુરતના મહિધરપુરા ખાતે આવેલ ગોડીયા બાબા ગલે મંદિરમાં અભ્યાગતોને અપાતા સદાવ્રતમાં ભિક્ષા લેવા અર્થે પધારેલા ભગવાન શ્રી સ્વામિનારાયણનું સંતો હરિભક્તોએ પૂજન અર્ચન કર્યું હતું.
શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી સ્વામિનારાયણ ૧૧ વર્ષની કુમળી વયે એકલા અટુલા વનની વાટે ચાલી નીકળેલા. હિમાલયના બદ્દીનારાયણ, કેદારનાથની યાત્રા કરી જગન્નાથપુરી, તિરુપતિ, રામેશ્વર, પંઢરપુર થઈને સુરતમાં ૨૨૯ વર્ષ પહેલાં મહાવદિ એકાદશીના દિવસે પધારેલા.૧૧૦૦૦ ઉપરાંત કિલોમીટરની પદ યાત્રા કરી ગુજરાતમાં પ્રથમ સુરતની ધરતીને પાવન કરવા પધારેલા ભગવાન સ્વામિનારાયણે જ્યાં ત્રણ દિવસ વૃક્ષ નીચે ઓટા ઉપર નિવાસ કર્યો હતો.તે ગોડિયા બાબા ગલેમંદિરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરતના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીની આજ્ઞા અનુસાર અભિષેક સ્વામી તથા જગવલ્લભ સ્વામી તથા ધીરૂભાઇ દેસાઇ, રવજીભાઇ કણકોટીયા, શીખીલભાઈ ગજેરા, હાર્દિકભાઈ ભાયાણી, મયુરભાઈ ધામેલીયા વગેરેએ ભગવાન શ્રી નીલકંઠ વર્ણીનું પુષ્પ પાંખડીથી જનમંગલ સ્તોત્રના ગાન સાથે પૂજન તથા અભિષેક કરી દંડવત પ્રણામ કર્યા હતા.
સ્વામિનારાયણ ગુરુકુળ વેડરોડ સુરત ખાતે મહંત સ્વામીએ શ્રી નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનની વિશેષ મહાનિરાજન આરતી કરી હતી.પ્રભુ સ્વામી વગેરે સંતોએ ભગવાનનું મંત્રોના ગાન સાથે પુષ્પ પાંખડીથી પૂજન અર્ચન કર્યું હતું.સાયંકાળે યોજાયેલ સત્સંગ સભામાં શાસ્ત્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામીએ નીલકંઠ વર્ણી સુરતમાં પધાર્યાની કથા વાર્તા કરી ભક્તોને આજના સ્મૃતિ ઉત્સવમાં તરબતર કર્યા હતાં
Recent Comments