સ્વીપ અને ટીપ અંતર્ગત બાબરા આઈ.ટી.આઈ. ખાતે મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરુ છે. સ્વીપ અને ટીપ પ્રવૃત્તિ અન્વયે બાબરા સ્થિત આઈ.ટી.આઈ. ખાતે મતદાર યાદી સુધારણા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો, વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. યુવાઓને મતદાર તરીકે નામ નોંધણી, મતપત્રમાં ફોટો, વિગતો સહિતના સુધારા માટેની પ્રક્રિયા વિષયક સમજ આપવામાં આવી હતી. યુવાઓ પ્રથમ વખતના મતદાર તરીકે પોતાની નામ નોંધણી કરી મતપત્ર પ્રાપ્ત કરશે.
અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અને તાલુકાકક્ષાએ ચિત્ર, મહેંદી અને નિબંધ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચુનાવ પાઠશાળા કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને મતદાતા તરીકે તેમની ફરજ અને નાગરિક તરીકે તેમના મતદાનના હક્ક વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય અને શહેરી કક્ષાએ યુવક-યુવતીઓને મતદાર નોંધણી, મત ઓળખપત્રમાં સુધારણા માટે વિગતો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી નાગરિકોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને તેની ઉપયોગિતા વિશે જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે.અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ખાસ ઝુંબેશ અંગે નાગરિકોને જાણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામ, વિગત, ફોટો અચૂક ચકાસી લેવો, જરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી. નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ, www.voterportal.eci.gov.in, www.nvsp.in પોર્ટલ ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી વિગતો મેળવી શકાય છે.ખાસ બાબત છે કે, મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત નવેમ્બર-૨૦૨૪ માસની, તા.૨૩-શનિવાર, તા.૨૪-રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સંબંધિત વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવો. મતદારયાદીમાં નાગરિક-મતદાતાના નામ સાથે આધાર લીંક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે. આથી, અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને મતદાતા યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments