સ્વીપ અને ટીપ – લીલીયા કોલેજ ખાતે મતદાર સાક્ષરતા ક્લબનું આયોજન
સ્વીપ અને ટીપ એક્ટિવિટી અન્વયે લીલીયા સ્થિત કોલેજ ખાતે મતદાર સાક્ષરતા ક્લબનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે વિવિધ માધ્યમથી નાગરિકોને માહિતગાર કરવા જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે. મતદાર નોંધણી જાગૃત્તિ કાર્યક્રમમાં યુવાઓ સહભાગી બની રહ્યા છે.અમરેલી જિલ્લામાં દામનગર કુંભનાથ મહાદેવ મંદિર, બાબરા મેલડી માતા મંદિર, તાપડીયા બાપુ આશ્રમ, બાબરા, લાઠી અને લીલીયા આઇટીઆઇ, સહિતના વિવિધ સ્થળોએ મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા.ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા રાજુલા વિધાનસભા મત વિસ્તારની મુખ્ય બજાર તથા વિવિધ રહેણાંક વિસ્તારમાં, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને તેના ખાસ ઝુંબેશના દિવસોની વિગતો નાગરિકોને મળી રહે તે માટે ઓડિયો ક્લિપના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરાવમાં આવ્યો.
વિવિધ સ્થળોએ અને તાલુકાકક્ષાએ વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદાર સાક્ષરતા ક્લબના માધ્યમથી નવયુવાઓને મતદાતા તરીકે તેમની ફરજ અને નાગરિક તરીકે તેમના મતદાનના હક્ક વિશે માહિતગાર કરવામાં આવ્યા. ગ્રામ્ય અને શહેરી કક્ષાએ યુવક-યુવતીઓને મતદાર નોંધણી, મત ઓળખપત્રમાં સુધારણા માટે વિગતો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ખાસ ઝુંબેશ અંગે નાગરિકોને જાણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, મતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામ, વિગત, ફોટો અચૂક ચકાસી લેવો, જરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી. નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ, www.voterportal.eci.gov.in, www.nvsp.in પોર્ટલ ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી વિગતો મેળવી શકાશે.ખાસ બાબત છે કે, મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત નવેમ્બર-૨૦૨૪ માસની, તા.૨૩-શનિવાર, તા.૨૪-રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સંબંધિત વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવો. મતદારયાદીમાં નાગરિક-મતદાતાના નામ સાથે આધાર લીંક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે. આથી, અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને મતદાતા યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments