સ્વ. ગુણવંત બાપુ નિમાવત એટલે સેવાની સુવાસનો પર્યાય.

ગુણવંતબાપુ નિમાવત ગુણવંતબાપુ નિમાવતનો જન્મ ૧૯૩૭માં સાવરકુંડલામાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નાનાબાઈબેન હતું. તેમને બાળપણથી માતા-પિતા પાસેથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું. બાળપણથી વ્યાયામમાં વિશેષ રસ હતો. ગુણવંતબાપુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં મેળવ્યુ હતું. તેમને બાળ પ્રવૃતિમાં વિશેષ રુચિ હોવાના કારણે મોન્ટેસરી બાળવિજ્ઞાનની તાલીમ ભાવનગર મેળવીને સાવરકુંડલા બાળમંદિરમાં જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન બાળમંદિરમાં તેમના માર્ગદર્શન નીચે બાળકો ભણે તેવું વાલીઓની વિશેષ અભિલાષા હતી. તેમણે બાળકોમાં શિસ્ત, સંસ્કાર અને ચારિત્ર્યના ઉતમગુણો ખીલવ્યા હતા. તેઓ કહેતા કે ”બાળક ઈશ્વરનું સ્વરૂપ છે” ગુણવંતબાપુએ પોતાના કાર્યબાદ સ્વૈચ્છિક રીતે સર્વ સમાજ માટે સેવા કરતા યુવાઓનું સંગઠન બનાવ્યું જે ‘વિશ્વાસગૃપ’ ના નામે ઓળખાવા લાગ્યું.
ગુણવંતબાપુની આગેવાની જે નીચે ‘વિશ્વાસગૃપ’ સમાજના દરેક વર્ગના લોકોને નાત-જાત, ધર્મ, પ્રદેશ કે ભાષાના ભેદ વિના સતત કાર્ય કરતું હતું. ગુણવંતબાપુને સમાજના પ્રત્યેક વર્ગનાં લોકોને મદદરૂપ થવામાં આનંદ આવતો હતો. પાંચ ભાઈઓ અને એક બહેનના પરિવારમાં તેમણે સમાજ સેવા માટે લગ્ન કર્યા ન હતા. તેમણે સામાજિક સેવાઓનો વ્યાપ વધતા ‘બાલમંદિર’ ની નોકરી છોડી અને હોમગાર્ડ યુનિટમાં જોડાયા અને કમાન્ડર બન્યા હતા. તેઓ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતા જેના ફળ સ્વરૂપે રાત્રે કરીયાણા, સાયકલ અને અન્ય વસ્તુઓની ચોરીઓ અટકાવી. તેમણે અનેક ચોર–લૂટારાઓને સમાજની મુખ્ય વિચારધારામાં લાવી સત્યના માર્ગે વાળ્યા હતા, જેના કારણે તેઓ લોકોની નજરમાં વસ્યા. એ અરસામાં કચ્છથી માણસુરભાઈ ગઢવી દુષ્કાળના કટોકટીના દિવસો દૂર કરવા ઢોર–ઢાંખર સાથે સાવરકુંડલા આવ્યા હતા. ચિંતામગ્ન એવા માણસુરભાઈ ગઢવીનું દુઃખ ગુણવંતબાપુથી જોવાયું નહી અને પરહિત માટે દૂધની દુકાન ‘લુહાર જ્ઞાતી વાડી’ ના પાછળના ભાગમાં શરૂ કરી જેનું નામ આપવામાં આવ્યું ‘વિશ્વાસ દૂધ સેન્ટર’ નામ આપવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં ઉતમ પ્રકારના દૂધને કારણે ‘વિશ્વાસ દૂધ સેન્ટર’ ની નામના સાવર અને કુંડલામાં વધી.
આમ, પરહિત માટે ગુણવંતબાપુ મદદરૂપ થયા જે કાબીલે દાદ છે. તેમનાથી કોઈનું દુઃખ જોવાતું નહી. સત્ય માટે તેઓ કાંઈપણ કરી છૂટવાની તત્પરતા તેમનામાં હતી. તેઓ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન વાહનો મોડા પડવાના કારણે નિઃસહાય બહેનોને મદદરૂપ બનતા અને તેમના ઘર સુધી મૂકી આવતા. તેઓનું વર્તન આપણને ‘જોગીદાસબાપુ ખૂમાણની’ યાદ અપાવે છે. ગુણવંતબાપુની પ્રવૃતિનો વ્યાપ વધતા લોકસેવાર્થે હોમગાર્ડ ઓફીસને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. તેમણે હોમગાર્ડ ઓફીસની બહાર મગનભાઈ ભડલીયા અને ભગવાનભાઈ સોલંકીની મદદથી મફત છાશકેન્દ્ર શરૂ કર્યુ હતું. તેમણે વટેમાર્ગુ અને ગામડાના હટાણું કરવા આવતા લોકો માટે ”પાણીનું પરબ” બનાવ્યું હતું જેને લોકો ‘ગુણવંતબાપુનો ઓટલો’ હુલામણા નામથી ઓળખતા. ધોળા કપડામાં સંત એવા ગુણવંતબાપુએ અનેક વખત કટોકટીના સમયે બ્લડડોનેટ કર્યુ હતું. એ સમયે કે.કે.હોસ્પીટલના ડો.જયંત ધંધુકિયાએ તેમને ‘બ્લડ ડોનેટ’ કરવાની ‘ના’ પાડી હતી કારણકે તેઓ જો બ્લડ ડોનેટ કરશે તો તેમની તબિયત બગડશે તેવો અણસાર અગાઉથી આવ્યો હતો. ગુણવંતબાપુ ઈ.સ.૧૯૭૭ માં આઠમે નોરતે મૃત્યુ પામ્યા હતા. ‘વિશ્વાસ ગૃપ’ ના મિત્રોએ ગુણવંતબાપુ નિમાવતની સદપ્રવૃતિની સુવાસ કાયમી રહે તે માટે ‘ગુણવંત નિમાવત ટ્રસ્ટ’ ની રચના ૧૯૭૮ માં કરી હતી. ‘ગુણવંત નિમાવત ટ્રસ્ટ’ નો ઉદેશ દુઃખી અને પીડીત લોકોને આરોગ્ય, શિક્ષણ અને માનવસેવા દ્વારા સમાજકલ્યાણના કાર્યો કરી સમાજ–સમાજ વચ્ચે સેતું સાધવાનો હતો. ગુણવંત નિમાવત ટ્રસ્ટના માધ્યમ થકી લોકોને એમ્બ્યુલન્સ, શબવાહિતી, દવાખાને દર્દીઓના સગા માટે ટીફીન, દાંતણ, જલકુટીર, છાશ કેન્દ્ર, નોટબુક વિતરણ, મિઠાઈ વિતરણ, દુષ્કાળ કે સંકટ સમયે ફુટ વિતરણ, દર્દીઓને દવા અને પશુઓને ઘાસચારોની સેવા મળી રહેતી. શ્રી કુમાર બી.એચ.ગાર્ડી હાઈસ્કૂલ ફિફાદના આચાર્ય શ્રી દિપકભાઈ એમ.રામાનુજે ગુણવંતબાપુને અંજલી આપતા કહયું હતું કે ”ગુણવંતબાપુ એટલે સેવાનો જીવ” તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યો લોકો માટે ભવિષ્યમાં હંમેશા નવી દિશા આપતા રહેશે.” ગુણવંતબાપુ નિમાવતની સેવાકીય પ્રવૃતિમાં શ્રી લલ્લુભાઈ શેઠ, શ્રી હિરાભાઈ મગીયા, શ્રી મોહનભાઈ પારેખ, શ્રી પ્રતાપભાઈ ખીમાણી, શ્રી હઠીસિંહ ચૌહાણ, શ્રી બળવંતભાઈ મહેતા, શ્રી હરેશભાઈ ભટ્ટ, શ્રી મગનભાઈ ભડલીયા, શ્રી નટુભાઈ વેગડા, શ્રી બદરૂભાઈ ખુમાણ, શ્રી પોપટભાઈ નિમાવત, શ્રી રાજુભાઈ વાળોદરા, શ્રી છોટુભાઈ ભટ્ટી, શ્રી જયંતિભાઈ પટેલ અને નંદલાલભાઈ સાદીયા વગેરેએ હંમેશા સહયોગ આપ્યો છે.
Recent Comments