ભાવનગર

સ્વ પ્રભુદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે તલગાજરડામાં સમૂહ લગ્ન અને સંતવાણી એવોર્ડ સંપન્ન 

પૂ. મોરારીબાપુના પૈત્રિક ગામ તલગાજરડામાં દર વર્ષે તેમના પિતાશ્રી પૂજ્ય પ્રભુદાસ બાપુની પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં સમૂહ લગ્ન અને સંતવાણી એવોર્ડનું આયોજન થતું રહ્યું છે. સને 2010 થી આરંભાયેલી આ યાત્રા આજે પણ ચાલુ છે. આજે તા. 10 -11- 22 ના રોજ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે 15 મો એવોર્ડ સમારંભ સંપન્ન થયો.પૂજ્ય મોરારીબાપુએ એવોર્ડ સમારંભને સંબોધન કરતા જણાવ્યું કે ભજન એ ઉચ્ચાર નથી એ સ્વયં આચાર છે. તેથી આપણે સરકારશ્રીની તમામ આચાર સહિતાનું ચુસ્ત રીતે પાલન કરીએ છીએ. ઉત્સવો નાચતાં નાચતાં થાય,મહોત્સવ બુદ્ધ પુરુષોની સન્નીધિમા યોજાય અને પરમોત્સવ એટલે કે તમારી પાસે જે કળા છે તેને તમે તમારા નિજાનંદ માટે જ્યાં પ્રસ્તુત કરો તે પરમોત્સવ છે. તલગાજરડા દુનિયાની તમામ કળાઓને આવકારે છે. હનુમાનજી કળાથી પ્રસન્ન થાય છે અને આપણે આ ઉપક્રમથી એ દિશામાં જઈએ છીએ.             

આજના એવોર્ડ સમારંભમાં સર્જક વંદના માટે દાસીજીવણ જગ્યા ઘોઘાવદરના મહંત પૂજ્ય શામળદાસ બાપુ- ઘોઘાવદર, ભજનીક -શ્રી ખેતશીભાઈ કાકુભાઈ ગઢવી- કચ્છ, તબલા -હર્ષદભાઈ રાવલ જુનાગઢ, વાયોલીન બેંજો -આનંદભાઈ મકવાણા મોરબી, અને મંજીરા પરબતભાઈ પટેલ ચમારડી બાબરાને સૂત્ર માલા પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિ કરી તેમની ભાવ વંદના કરવામાં આવી.           

ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા દર વર્ષે યોજાતા સમૂહ લગ્નમાં આજે સવારે કુલ 12 દીકરીઓના સમુહ લગ્ન કરવામાં આવ્યા અને તેમાં સમગ્ર ગામ એ સામેલ થયું.   સંતવાણી આરાધનાના દોરમાં ભજનીકો લલિતા ઘોડાદ્રા, પરસોતમ પરી બાપુ, શૈલેષ મહારાજ, રામદાસ ગોંડલીયા અને જય શ્રી માતાજી એ પોતાની વાણી પ્રસ્તુત કરી.      કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતના સંતો મહંતો અને 100 કરતાં પણ વધારે લોક કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન હરિશ્ચંદ્રભાઈ જોશીએ કર્યું હતું અને વ્યવસ્થા અને સંકલન જયદેવ માંકડે સંભાળ્યું હતું.

Related Posts