પાલડી વિસ્તારની યુવતીએ લગ્ન કરી પતિ સાથે હનીમૂન કરવા બેંગકોક ગઈ હતી જ્યાં પતિએ દારૂ પીવા બાબતે દબાણ કર્યું હતુ, જાેકે પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ ઢોર માર માર્યો હતો. આ અંગે સાસરીયાઓને વાત કરતા તેઓ પણ પતિનું ઉપરાણુ લઈ દહેજની માંગણી કરી હેરાન કરતા હતા. જેથી પરિણીતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પતિ સહીત સાસરીયાઓના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી હતી.
પાલડીના નારાયણ નગર રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના લગ્ન ૨૦૨૦માં થયા હતા. લગ્ન બાદ પરિણીતા પતિ સાથે હનીમૂન પર બેંગકોક ગઈ હતી. ત્યાં હોટલમાં પતિ દારૂ પીધો હતો અને યુવતીને પરાણે દારૂ પીવડાવવા પ્રયત્નો કર્યા હતા. જાે કે યુવતીએ દારૂ પીવાની ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા પતિએ તેને ઢોર માર માર્યો હતો. જાે કે આ અંગે યુવતીએ સાસુ-સસરાને જાણ કરી તો તે પણ તેમના દિકરનું ઉપરાણું લઈને કરિયાવરમાં કંઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપવા લાગ્યા હતા.
લોકડાઉન હોવાના કારણે પતિ દોઢ લાખ રૂપિયા લઈને આવવાની વાતો કરતો હતો. જાે કે યુવતીએ તેના પિતા પાસે પૈસા માંગવાની ના પાડી ત્યારે ઝઘડો કરી મારઝુડ કરતા હતા. નણંદ પણ અવારનવાર કામ બાબતે મહેણાં મારી તેનું અપમાન કરી હેરાન પરેશાન કરતી હતી. આ દરમિયાન પરિણીતાની તબીયત બગડતા ઉસ્માનપુરા હોસ્પિટલમાં એડમિટ થઈ બાદમાં રજા આપતા તેના સાસરે ગઈ હતી. જ્યાં તેના પતિએ જણાવ્યું કે, તું વધારે બીમાર રહે છે અને જ્યાં સુધી તબિયત સારી ન થાય ત્યાં સુધી માતા-પિતા ના ઘરે જતી રહે. તેમ કહી પતિ તેના પિયર મૂકી ગયો હતો. આ અંગે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરી હતી.
Recent Comments