“હમ નહિં સુધરેં ગે”, જસદણમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓના કોચિંગ ક્લાસ ચાલુ
રાજકોટના જસદણની આલ્ફ હોસ્ટેલમાં કોરોનાને અવગણી ૫૫૫ ભૂલકાઓને કોચિંગ અપાતું હોવાનો મામલો ધ્યાને આવતા સંદેશ અખબારે એક પ્રહરી તરીકે તંત્રને જાણ કરી હતી અને તે બાદ મામલતદારે પોલીસને સાથે રાખી દરોડો પાડતા ગંભીર બેદરકારી ધ્યાને આવી હતી.
કોરોનાના વધતા કહેર વચ્ચે પણ વિદ્યાર્થીઓને બોલાવી તેમના જીવ જાેખમમાં મુકવાનું દુઃસાહસ કરતા ક્લાસ સંચાલક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો હતો અને વિદ્યાર્થીઓને ૨૪ કલાકમાં તેમના વાલીઓ પાસે પહોંચાડવા આદેશ આપ્યો હતો.
જસદણના ચિતલીયા રોડ પરની ખાનગી હોસ્ટેલના બિલ્ડીંગમાં જવાહર નવોદય અને બાલાછડીમાં પ્રવેશ મેળવવા માંગતા ધો.૫ ના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હોવાની જાણ થતા જસદણ પ્રાંત પ્રિયાંક ગલચરને સઘળી હકીકત જણાવતા મામલતદાર પી.ડી.વાંદા અને તેમની ટીમને તુરંત સ્થળ પર તપાસ માટે મોકલ્યા હતા.
જ્યાં પહોચતા ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં હોવાનું સામે આવતા તેઓ ચોંકી ઉઠયા હતા અને ગંભીર બેદરકારી બદલ ક્લાસ સંચાલક જયસુખ સંખારવા સામે જસદણ શહેર પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો. આ સાથે જ તમામ વિદ્યાર્થીઓને ૨૪ કલાકમાં તેમના વાલી પાસે પહોચાડવા માટે સંચાલક પાસે બાયંધરી પત્ર લખાવડાવ્યો હતો.
એક સાથે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હતા અને તેનાથી કોરોના સંક્રમણ તો નથી ફેલાયું ને? તેની તપાસણી માટે મેડીકલ ટીમને આરોગ્ય ચકાસણી માટે બોલાવાયા હતા. તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરાયુ હતુ. જાેકે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ છાત્રમાં કોરોના લક્ષણો દેખાયા ન હતા.
કોચિંગ માટે રાજકોટ, અમદાવાદ ઉપરાંત મહેસાણા અને બનાસકાંઠા સહીતના દૂરના જિલ્લાના બાળકો પણ ત્યાં હતા કે જેઓ કોચિંગ મેળવતા હતા. વાલીઓ પણ બેજવાબદાર ગણાય કે જેઓએ કોરોનાના ગંભીર સંક્રમણનો ખતરો છતાં બાળકોને કોચિંગ માટે મોકલ્યા હતા.
Recent Comments