fbpx
ભાવનગર

‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે ભવ્ય પ્રદર્શન સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય, સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન, જૂનાગઢ અને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત રીતે દ્વારા ‘ આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત થઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણીના ભાગરૂપે  ભાવનગરનાં ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ પ્રદર્શન હોલ ખાતે ભવ્ય પ્રદર્શન સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

        ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિગતો આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીશ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામની તેમજ આઝાદી માટેની દેશભરમાં થયેલી ચળવળની ઝાંખી કરાવતું અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સચિત્ર જાણકારી આપતું આ એક દુર્લભ પ્રદર્શન છે.

        વધુમાં તેમણે જણાવ્યું કે,‌  દેશભરમાં ચાલી રહેલ આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીમાં દેશનો પ્રત્યેક નાગરિક જોડાય અને આ મહોત્સવ જન-જનનો મહોત્સવ બને તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરુપે જ આ  પ્રદર્શનનું આયોજન કરાયું છે.

        કાર્યક્રમના સહ આયોજક ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી શિશિર ત્રિવેદીએ વધુ માહિતી આપતાં જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત થઈ રહેલ આ કાર્યક્રમમાં ભાવનગર શહેરની  શાળાના ૭૫ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

        શિક્ષણ, રમતગમત, કલા જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદર્શન કરનાર આ તેજસ્વી તારલાઓનું સન્માન અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાની જ્યોતને પ્રજ્વલિત કરવાં આ સમગ્ર કાર્યક્રમનું સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે.

        મહત્વનું છે કે, ૧૩ મી ઓગસ્ટ,  શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે આ સમગ્ર કાર્યક્રમ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ ભાવનગરનાં ઝવેરચંદ મેઘાણી પ્રદર્શન હોલ ખાતે આયોજીત આ  પ્રદર્શન તા. ૧૩ થી ૧૪ ઑગસ્ટ એમ‌ બે દિવસ સુધી સવારે: ૯-૩૦ થી સાંજના ૭-૩૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે. આ પ્રદર્શનને નિહાળવા અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો એક ભાગ બનવા ભાવનગરના નગરજનોને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય, સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન, જૂનાગઢ અને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

Follow Me:

Related Posts