fbpx
ભાવનગર

‘હર ઘર તિરંગા’ ની ઉજવણી માટે મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઇ

ગુજરાતમાં આગામી ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ ઘરો, દૂકાનો, ઉદ્યોગીક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક
પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી
કરવામાં આવનાર છે.
આ માટેની એક વિડીયો કોન્ફરન્સ રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ
કહ્યું કે, રાજ્યમાં એક કરોડથી વધુ મકાનો પર ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાને જાગૃત કરવામાં આવશે. તેમણે જિલ્લાના કલેક્ટરશ્રીઓ, મ્યુનિસિપલ
કમિશનરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સાથે આ અંગેના આયોજન અંગેની સઘન ચર્ચા કરી હતી.
ભાવનગર જિલ્લામાં પણ તે જ રીતે ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરી ખાતે
વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે, જિલ્લાના મહત્તમ ઘરો અને
શૈક્ષણિક, ઔદ્યોગિક એકમો પર ત્રિરંગો લહેરાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટ કરીએ. સમગ્ર રાષ્ટ્ર જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે
ત્યારે તેમાં ભાવનગર જિલ્લો પણ પૂરા ઉત્સાહ સાથે તેમાં સહભાગી થશે.
ભાવનગર જિલ્લાના ૨,૮૪,૫૩૬ ઘરો અને ૧૯ નગરપાલિકાના ૪,૧૯,૭૯૮ ઘરો આવેલાં છે. આ ઉપરાંત પંચાયત ઘરો, દૂધ
મંડળીઓ, સરકારી ઇમારતો, ઔદ્યોગિક ગૃહો, સાગરકાંઠા પરની નૌકાઓ આ તમામ જગ્યાએ આ ત્રણ દિવસ સુધી તિરંગો ફરકાવી માં ભારતીનું
સર ઉન્નત કરીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ ઉજવણી માટે રાજ્ય સરકાર ભારત સરકારે નિશ્ચિત કરેલી એજન્સી મારફતે રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવનાર છે. જિલ્લાની
શાળાઓમાં આઝાદી વિશે, ભારતના આઝાદીના લડવૈયાઓ વિશે, આઝાદીના માનબિંદુઓ વિશે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ગ્રામ્ય સ્તરે
પ્રભાત ફેરી જેવાં આયોજનો દ્વારા દેશ પ્રત્યેના ભાવને પ્રગટ કરવાનો આ અવસર બની રહે તેવાં આયોજનો કરવામાં આવ્યાં છે તેની વિગતો આ
બેઠકમાં આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર ત્રિરંગા”ની ઉજવણી માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમિતિની રચાઈ છે. જેની
બેઠકમાં થયેલાં આયોજન મુજબ ગુજરાતમાં એક કરોડથી વધુ ઘરો ઉપર ત્રિરંગો લહેરાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી, ઉદ્યોગો, સહકારી સંસ્થાનો સહિતના સાર્વજનિક સ્થળો ઉપર અઢી લાખની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ
કરાવાશે. જ્યારે રાજ્યમાં ૫૦ થી વધુ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રો, ગુર્જરી એમ્પોરિયમ, શોપિંગ મોલ અને બસ સ્ટેશન જેવાં જાહેર સ્થળો પરથી પણ
રાષ્ટ્રધ્વજની ખરીદી નાગરીકો કરી શકશે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારની સૂચના મૂજબ કરવામાં આવશે તેની વિગતો પણ
આ બેઠકમાં આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી
વી.એમ. રાજપૂત તથા જિલ્લાના વરિષ્ડ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts