‘હર હર મહાદેવ’ ના નાદ સાથે શિવાલયોમાં ભાવિકોની ઉમટી ભીડ, શોભાયાત્રા સાથે શિવરાત્રીની ઉજવણી

ભગવાન શિવ અને શક્તિના સંગમ સ્વરૂપ ઉજવાતા અને હિંદુ ધર્મના પંચાંગ અનુસાર યોજાતા દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રીના મહાપર્વ મંગળવારે સવારથી ભુજના શિવાલયોમાં ભાવિકોની ભીડ જામી હતી . શિવપૂજા અને દર્શન માટે શિવભક્તો શહેરના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી કતાર લગાવી હતી . તો સનાતન હિન્દુ સંગઠન અને અન્ય ધાર્મિક , સામાજિક સંસ્થાઓના સહયોગથી મહાકાલેશ્વર મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી . વીસથી વધુ ફ્લોટ્સ પર સમાજના લોકો તેમની શક્તિ અને ભક્તિ મુજબ શિવ પાર્વતીના શણગાર , ગણોના વૃદ , શિવ સ્ત્રોતમ જેવા આકર્ષણ ઊભા કર્યા હતા . કોરોના કાળ બાદ આ પહેલી શિવરાત્રી હતી કે જે ધામધૂમથી ઉજવવામાં આવી હતી અને તે ખુશી લોકોના ચહેરા પર જોવા મળી હતી. રથયાત્રામાં જોવા મળેલ ભીડ એ વાતનું પ્રતીક છે કે લોકોમાં શિવ પ્રત્યે કેટલો પ્રેમ અને ભક્તિ છે. લોકોનો આ ઉત્સાહ કચ્છના દરેક જગ્યાએ જોવામાં આવ્યો હતો . ગાંધીધામ અને આસપાસ આવેલા શિવાલયોમાં દિવસભર ભક્તજનોની ભીડ ઉમટી હતી . કોરોના કાળ બાદ આ પ્રથમ એવી શિવરાત્રી હતી જેમાં સંખ્યા પર કોઇ પ્રત્યક્ષ પાબંધી નહતી , ત્યારે આટલા સમય બાદ ભાવિકો નવા ઉમંગ અને ઉત્સાહ સાથે ‘ હર હર મહાદેવ ’ ના નાદ સાથે શિવ દર્શન , આરાધના કાજે પહોંચ્યા હતા . શિવાલયોમાં મેળા જેવો માહોલ ઉભો થયો હતો , ઠંડાઈનો પ્રસાદ લઈને લોકોએ તૃપ્તીનો અહેસાસ કર્યો હતો . માલારા મહાદેવ મંદિરે ભાવિકોનો ધસારો જોતાજ બનતો હતો , સ્થાનમાં વર્ષોથી ચાલતી આ પરંપરાને અવીરત રખાઈ હતી . ચૌખંડા મહાદેવ મંદિર , મહાકાલેશ્વર મંદિર , લીલાશાહ વિસ્તારના નરનારાણેશ્વર મંદિરે ચેમ્બરમાં ચેમ્બર પ્રમુખ તેજાભાઈ સહિતના આગેવાનોએ પુજન કર્યું હતું , ચાવલા ચોકનું શિવાલય તેમજ અન્ય ધાર્મિક સ્થળોએ ભાવિકો ઉમટી પડ્યા હતા . નાળેશ્વર ( ચૌખંડા ) મહાદેવ મંદિરમાં નવા ૧૮ ટ્રસ્ટીઓનું સ્વાગત અને સત્કાર કરાયો હતો .
Recent Comments