હવામાન વિભાગની આગાહી અન્વયે ખેડુતોએ કાળજી લેવી
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી ૧૭ થી ૧૯ નવેમ્બર-૨૦૨૧ દરમ્યાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની તેમજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે, હાલમાં બીટી કપાસમાં પાક તૈયાર થયેલ હોય ત્યારે કપાસની વીણી તાત્કાલિક ધોરણે કરી લેવી અને કપાસ સલામત જગ્યાએ રાખવો, ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલો પાક જેવા કે તલ, અડદ, મગ, બાજરી, મગફળી કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો. ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવા અને તાડપત્રી હાથવગી રાખવી, વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત જણસીઓ ઢાંકીને લઈ જવી અને હવામાન ખાતાની આગાહી હોય તેવા સમયે ખેત જણસી વેચાણ શક્ય હોય તો ટાળવું.
એપીએમસીમાં રહેલ ખેત જણસી સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી છે. પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઉડે નહીં તે જોવું. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરત ઉતારી લેવું. નવા વાવેતર બાબતે જેવું કે ઘઉં, ચણા, સુવા, રાયડો વગેરેનું વાવેતર વરસાદ કે પવનની આગાહીઓને ધ્યાને રાખી કરવું, જેથી વાવેતર નિષ્ફળ ન જાય, ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલળે નહીં તે મુજબ તમામ વ્યવસ્થા રાખવી.
Recent Comments