હવે આ શાકમાર્કેટનું કંઈક કરો સરકાર, સાવરકુંડલા શહેર ઝંખે છે હાઈજેનીક શાકમાર્કેટ
નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટની વાસ્તવિકતા ખરેખર દયનીય છે. છેલ્લા એક સૈકા જેવા સમયથી આ શાકમાર્કેટને કોઈ સ્વાસ્થ્યપ્રદ સ્થાનની તલાશ છે.. કાશ સતાધીશોનાં ધ્યાન પર આ વાત આવે તો સાવરકુંડલા શાકમાર્કેટનો ઉધ્ધાર થાય.. હા આ એ જ સ્થાન જે જ્યાં ચોમાસાના વરસાદી માહોલ સિવાયના સમયમાં શાકમાર્કેટ બેસે છે. આમ તો આને નાવલી નો પટ્ટ જ કહેવાય. જો કે વરસાદી માહોલમાં આ વિસ્તારમાં પાણી હોય શાકમાર્કેટમાં શાકભાજી વેચતાં વેપારીઓ જાહેર રોડની બંને સાઈડમાં બંને બાજુ બેસે છે.. અહીં વાત તો આ નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટની જ કરવી છે. ચોમાસાનાં વરસાદી માહોલ સિવાયના દિવસોમાં અહીં નાવલીનાં પટ્ટમાં બેસતી શાકમાર્કેટમાં અવારનવાર ગટરના ગંદા પાણી પણ વહેતા જોવા મળે છે. એ ગટરના પાણી વચ્ચે શાકભાજી ખરીદવા શહેરના લોકો મજબૂર બને છે. આમ તો આ શાકમાર્કેટ સ્થળાંતરનો પ્રશ્ર્ન પણ ખૂબ પેચીદો જણાય છે. પરંતુ શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સંબંધી સુખાકારી માટે પણ આ શાકમાર્કેટ કોઈ સ્વચ્છ, સુઘડ અને હાઈજેનીક સ્થાન પર હોય તો સાવરકુંડલા શહેરનાં નાગરિકોની એવરેજ તંદુરસ્તી પણ સુધરે. આ શાકમાર્કેટની સમસ્યા વિશે અવારનવાર અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયાં છે. પરંતુ હજુ સુધી તો પરિણામ શૂન્ય છે. ધારાસભ્યશ્રી આ સંદર્ભે હસ્તક્ષેપ કરી વહેલી તકે કોઈ રચનાત્મક ઉકેલ લાવે એમ લોકો ઇચ્છી રહ્યા છે.
Recent Comments