fbpx
ગુજરાત

હવે કોરોના વોરિયર્સ પણ ઝપટે ચડી ગયા, અમદાવાદ સિવિલમાં ૫૭ હેલ્થ વર્કર સંક્રમિત

અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થતાં સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કર પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. સિવિલમાં છેલ્લાં ૧૦ દિવસમાં ૫૦ નર્સ સહિત ૫૭ હેલ્થ વર્કરને કોરોનાનો ચેપ લાગ્યો છે. સિવિલના મોટા ભાગના વિભાગના હેડ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. સિવિલના ઓએસડી ડૉ. મૈત્રી ગજ્જર, પલ્મોનોલોજી વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકી, એનેસ્થેસિયાના વડા ડૉ. તરલીકા, બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ, મેડિસીનના સિનિયર પ્રોફેસર ડૉ. બી.કે. અમીન કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૫૯૦ હેલ્થ વર્કર કોરોનાથી સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ચારે બાજુ લોકોની અર્થી ઉઠી રહી છે. એમાંય અમદાવાદ અને સુરતની હાલત તો અત્યંત બદતર થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં તો મોતના આંક પણ ધીરેધીરે વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો તેમજ સ્મશાનગૃહોની બહાર પણ શબવાહિનીની લાઇનો જાેવા મળી રહી છે.

અમદાવાદ શહેર ઉપર કોરોનાનું કોહરામ જાેવા મળી રહ્યું છે. બુધવારે ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૪૯૧ કેસ નોંધાવા પામ્યા છે. ઉપરાંત ૨૪ લોકોનાં મોત થવા પામ્યા છે. છેલ્લાં ત્રણ દિવસથી બે હજારથી પણ વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, શહેરમાં કોરોનાના નવા કેસની સાથે એકિટવ કેસની સંખ્યામાં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. બુધવારે પુરા થતાં ૨૪ કલાકમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૮૬૦૫ ઉપર પહોંચી ગઈ છે. ગત વર્ષે માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના સંક્રમણની સાથે અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૮૫,૧૩૨ કેસ નોંધાવા પામ્યા છે. એક વર્ષ ઉપરાંતના સમયમાં કુલ ૨૪૫૩ લોકોનાં મોત નિપજ્યાં છે.

Follow Me:

Related Posts