રાષ્ટ્રીય

હવે દેશના રેલવે ટ્રેક ઉપર પણ દોડતી ટ્રેનો પર રાખશે નજર

પ્રાયોગિક ધોરણે વડોદરા ડિવિઝનમાં 18 એન્જીનમાં 144 કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જો આ પ્રોજકટ કારગર નીવડશે તો સમગ્ર દેશમાં અમલી કરી 12, 729 થી વધુ રેલવે એન્જીનમાં રૂ. 132 કરોડથી વધુના ખર્ચે એક લાખથી વધુ કેમેરા ફિટ કરી દેવામાં આવશે. ભારતીય રેલવે ગતિ, સુરક્ષા, શક્તિ, આધુનિકરણ અને સુવિધાઓ સાથે આગળ વધી રહી છે. ઇલેક્ટ્રિફિકેશન, ફેઈટ કોરિડોર, બુલેટ ટ્રેન, વંદે ભારત, વિસ્ટાડોમ કોચ સહિતના બદલાવ સાથે સ્ટેશનોને પણ એરપોર્ટ કક્ષાના બનાવાઈ રહ્યાં છે. રેલવે દ્વારા ગતિ, સુવિધા, સવલતો સાથે સુરક્ષા ઉપર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સુરક્ષાને લઈ ઇન્ડિયન રેલવે એ નવી પહેલ પાયલોટ પ્રોજેકટ હેઠળ પ્રાયોગિક ધોરણે હાથ ધરી છે. જેને પશ્ચિમ રેલવેમાં પ્રાથમિક તબક્કે લાગુ પણ કરી દેવાઈ છે. જેની શરૂઆત વડોદરા ડિવિઝનથી કરવામાં આવી છે. પ્રોજેકટ હેઠળ રેલવે એન્જિનમાં ડ્રાઈવરના કેબીનની અંદર અને બહાર નાઈટ વિઝન કેમેરા લગાવવાનું શરૂ કરાયું છે. પ્રાથમિક તબક્કે 18 એન્જીનમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રીક લોકોમોટિવમાં લગાવાઈ રહેલા કેમેરાને સીવીવીઆરએસ એટલેકે ક્રુવોઇસ એન્ડ વીડીયો રિકાર્ડીંગ સિસ્ટમના નામથી ઓળખાશે. એક એન્જીનમાં 8-8 કેમેરા લાગશે. દરેક એન્જીનમાં 2 કેબીન હોય છે, જેમાં બે-બે કેમેરા કેબીનમાં, જ્યારે એક-એક બહારની બાજુ ફલેશર લાઈટ પાસે લગાવાઈ રહ્યા છે. તો એન્જીનની છત પર 2 કેમેરા લગાવામાં આવી રહ્યા છે. કેબીનમાં લાગેલા કેમેરા લોકોપાયલટની ગતિવિધિ અને અવાજ રેકોર્ડ કરશે. બહારના કેમેરો સિગ્નલ, ઓએચઇ અને અન્ય પરિસ્થિતિ રેકોર્ડ કરશે. વડોદરા રેલવે ડિવિઝનના લોકોશેડ અધિકારી પ્રદીપ મીના એ આ અંગે જણાવ્યું હતું કે, એન્જીનમાં અંદર-બહાર કેમેરા લગાવાનો આશય સિગ્નલમાં ગરબડ, ઓવરહેડ તૂટવા કે અન્ય અકસ્માતની સ્થિતિ પહેલેથી જાણી લેવાનો છે.

આ રીતે ડ્રાઇવરના કેબીનમાં લાગેલા કેમેરામાં ટ્રેનના સફર વેળા ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની સ્ટેશન કંટ્રોલરથી થનારી વાતની વિગતો પણ મળશે. તે ઉપરાંત ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની તમામ ગતિવિધિ પર પણ નજર રાખી શકશે. એક એન્જિનમાં કેમેરા લગાડવાનો ખર્ચ રૂ. 1,04,338 છે. કેમેરાની સ્ટોરેજ ક્ષમતા 2 ટેરાબાઈટ છે અને ફૂટેજ 90 દિવસ સુધી સેવ કરી શકાશે. વડોદરા લોકોશેડમાં પ્રાથમિક તબક્કે 18 એન્જીનમાં કેમેરા લગાવાયા છે. જેનું અત્યારે રીવ્યુ કરવામાં આવી રહ્યું છે. જે સફળ ગયા બાદ વડોદરા ડિવિઝનના 187 એન્જીન સહિત દેશભરના એન્જીનમાં આ સિસ્ટમ લગાવાની યોજના છે. આ સિસ્ટમથી માનવીય ભુલથી થનારા અકસ્માતના કારણો સરળતાથી જાણી શકાશે. સાથે જ બહારની ગતિવિધિઓમાં પણ કુદરતી, કૃત્રિમ આફતો, ભાંગફોડ સહિતની પ્રવૃત્તિનો ચિતાર મળતો રહેશે.

Follow Me:

Related Posts