fbpx
ભાવનગર

હસ્તગીરી જૈન મંદિરોના બારીક કોતરકામ અને કલાકારીથી પ્રભાવિત થતાં જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનર

ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે તેમની મુલાકાતના આજે બીજા દિવસે વહેલી સવારે પાલીતાણાના પ્રખ્યાત જૈન મંદિરોની મુલાકાત લીધી હતી.

જર્મન રાજદૂતશ્રીએ પાલીતાણા સ્થિત હસ્તગીરી પર્વત તેમજ તળેટીના મંદિરોની મુલાકાત લઈને મંદિરની બારીક કોતરણીકામ તથા કલાકારી જોઈને પ્રભાવિત થયાં હતાં.

જર્મન રાજદૂતશ્રીએ જૈન મુનિઓ તેમજ શ્રાવકો સાથે જૈનીઝમ પર વાર્તાલાપ કરી જૈન ધર્મ તેમજ તેના અહિંસા, પરોપકાર, અપરિગ્રહ જેવાં મૂળભૂત તત્વો વિશેની જાણકારી મેળવી હતી.

તેઓએ જૈન સાધ્વી સાથે સાધ્વી જીવનની તપસ્યા તેમજ આ તપસ્યા માટેની અભૂતપૂર્વ શક્તિ કઈ રીતે મેળવો છો તે અંગેનો પણ સત્સંગ કર્યો હતો.

જૈન ધર્મના આ તત્વો વિશે અભિભૂત થઇને તેઓ સત્સંગીઓના કાફલા સાથે પણ થોડો સમય ચાલ્યા  હતા અને આ રીતે ચાલીને ધન્યતા અનુભવી હતી.

જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનર આ મુલાકાતમાં જર્મન એમ્બસીના મંત્રી અને આર્થિક અને વૈશ્વિક બાબતોના વડાશ્રી સ્ટીફન કોચ, મુંબઇ કોન્સુલેટના કાર્યકારી કોન્સલ જનરલ સુશ્રી મારિયા ઇયનિંગ, રાજનૈતિક અને આર્થિક બાબતોના વરિષ્ઠ સલાહકાર સુશ્રી આશુમી શ્રોફ પણ સાથે રહ્યાં હતાં.

Follow Me:

Related Posts