સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે. હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ છે. બસ પાણીમાં ડૂબી હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. હિંમતનગરથી વીરાવડા – હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજના પાણીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસ પાણીમાં ગરકાવ થઈ હતી. એસટી બસ અંડર બ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં વર્ષોથી ભરાતું રહે છે. દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.
હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાંભોઇ હાઈવે પર અડધોથી એક ફૂટ પાણી ભરાયા છે. ગાંભોઈ પોલીસ સ્ટેશન આગળ પાણી ભરાયા છે. પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટથી ઓફિસના ગેટ સુધી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ નડીયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો ૫૫.૦૪ ટકા વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કચ્છમાં ૭૫.૬૯ ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં ૭૩.૬૮ ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ૬૬.૭૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો ૩૪.૬૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ફક્ત ૨૯.૬૯ ટકા વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે રાજ્યના ૨૦ તાલુકામાં અત્યાર સુધીમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ ૨૩૭.૬૬ ટકા તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં ૧૫૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ૧૧ તાલુકામાં ચોમાસાની સીઝનનો હજુ સુધી ફક્ત ૨૦ ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે.
Recent Comments