fbpx
રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશના ૬ વખત મુખ્યમંત્રી રહેલા વીરભદ્ર સિંહનું નિધન

વીરભદ્ર સિંહ ૯ વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા અને સાથે જ ૫ વખત સાંસદ તરીકે પણ પસંદગી પામ્યા હતા

હિમાચલ પ્રદેશના છ વખત મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું ગુરુવારે ૮૭ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે સવારે ૩ઃ૪૦ કલાકે શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અહીં તેઓ લગભગ બે મહિનાથી દાખલ હતા. સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યાર બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા.

વીરભદ્ર સિંહને બેવાર કોરોના થયો હતો. તેમનો રિપોર્ટ પ્રથમ વખત ૧૨ એપ્રિલે અને બીજી વખત ૧૧ જૂને પોઝિટિવ આવ્યો હતો. બુધવારે એક દિવસ અગાઉ આઇજીએમસીના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. જનક રાજે કહ્યું કે વીરભદ્ર સિંહની હાલત નાજુક છે, પરંતુ સ્થિર છે. વીરભદ્ર સિંહનો જન્મ ૨૩ જૂન ૧૯૩૪માં થયો હતો. તેમના પિતા પદમ સિંહ બુશહર રજવાડાના રાજા હતા.

મહાસૂ બેઠક પરથી ૧૯૬૨માં પ્રથમ વખત વીરભદ્ર સિંહે લોકસભાની ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૮૦ અને ૨૦૦૯માં લોકસભામાં પણ ચૂંટાઈ આવ્યા હતા. રોહડૂ બેઠક પરથી પ્રથમ વીરભદ્ર સિંહ વિધાનસભાની ચૂંટણી લડયા હતા. બાદમાં જ્યારે રોહડૂ બેઠક અનામત રાખવામાં આવી ત્યારે તેમણે ૨૦૧૨માં શિમલા રૂરલ બેઠક પરથી ચૂંટણી લડી હતી. ૨૦૧૭માં તેમણે આ બેઠક પુત્ર વિક્રમાદિત્ય સિંહ માટે છોડી દીધી હતી અને પોતે અરકીથી જ ચૂંટણી લડ્યા હતા. હાલમાં તેઓ અરકી બેઠક પરથી ધારાસભ્ય હતા.

વીરભદ્ર સિંહને પ્રથમ વખત ૧૯૮૩થી ૧૯૮૫ દરમિયાન, ૧૯૮૫થી ૧૯૯૦ દરમિયાન બીજીવાર, ૧૯૯૩થી ૧૯૯૮ સુધીમાં ત્રીજી વખત, ૧૯૯૮માં કેટલાક દિવસો માટે ચોથીવાર, ૨૦૦૩થી ૨૦૦૭ સુધી પાંચમી વખત અને ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન છઠ્ઠી વાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.

યુપીએ સરકારમાં તેઓ કેન્દ્રીય ઇસ્પાતમંત્રી પણ હતા. તેમણે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પણ સંભાળ્યું હતું. આ પહેલાં તેમણે ડિસેમ્બર ૧૯૭૬થી ૧૯૭૭ દરમિયાન ઈન્દિરા ગાંધી સરકારમાં કેન્દ્રીય પર્યટનમંત્રી તરીકે સેવા આપી હતી અને ઉડ્ડયન રાજ્યમંત્રી પણ રહ્યા હતા. તેઓ ૧૯૮૨થી ૧૯૮૩ સુધી કેન્દ્રીય ઉદ્યોગ રાજ્યમંત્રી હતા.

Follow Me:

Related Posts