કતારગામ ફુલપાડા રીડ ખાતે મુંબઈની કંપની માટે હીરા પોલીસ્ડ કરતી કંપનીમાં હીરાના ગ્રેડીંગની એન્ટ્રી કરતા કર્મચારીએ રૂ.૧૫.૬૩ કરોડના હીરાનો બદલો મારી નીચી ગુણવત્તાના હીરા મૂકી બાદમાં ઊંચી ગુણવત્તાના હીરા સાળાના મિત્ર મારફતે વેચી રૂ.૮.૩૭ કરોડ ત્રણ હિસ્સે વહેંચી દીધા હતા. આ અંગે જાણ થતા હીરાની કંપનીના ભાગીદારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.૮.૩૭ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે કર્મચારી અને હીરા વેચનારની ધરપકડ કરી છે. સુરતના સરથાણા જકાતનાકા આશીર્વાદ રો હાઉસ ઘર નં. ૪૦માં રહેતા ૫૨ વર્ષીય પ્રવિણભાઈ મનુભાઈ વઘાસીયા કતારગામ ફુલપાડા રોડ મહેતા પેટ્રોલ પંપ પાસે આસારાવાળા કંપાઉન્ડ ખાતે વ્રજ ડાયમંડના નામે ભાગીદારીમાં હીરા પોલીશ્ડ કરવાનું કામ કરે છે.
મુંબઈ બાંદ્રા ઈસ્ટ બી.કે.ભારત બુર્સમાં આવેલી ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લીનું જ કામ કરતી કંપની વ્રજ ડાયમંડમાં આવતા રફ હીરાને વિવિધ પ્રોસેસ કરવા અહીં ૧૦૦ થી વધુ કર્મચારી કામ કરે છે. તે મુજબ હીરા પોલીશ્ડ થયા બાદ તેની ગ્રેડીંગની એન્ટ્રી કંપનીના ચોથા માળે બેસતા ગૌતમભાઈ રાણા અને અશોકભાઈ ગલથરીયા કરીને તેના પેકેટ બદલી દરેક પેકેટ પર લોટ નંબર લખી પાંચમા માળે બેસતા જુગલ પટેલને જાતે જઈ આપે છે.જુગલ દરેક હીરાનું વજન કરી હીરાના ગ્રેડીંગની એન્ટ્રી કરે ત્યાર બાદ સ્ટોક રૂમમાં આપે પછી તેના ચલણ બનાવી મુંબઈ ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લી ને મોકલવામાં આવે છે. આ તમામ કાર્યવાહી માટે બનાવેલા સોફ્ટવેરમાં ગ્રેડીંગની એન્ટ્રીનું કામ કરતા દરેકને યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા છે.
દરમિયાન, ગત ૧૭ માર્ચના રોજ ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લી ના માલિક સમીરભાઈ મહેતાએ વ્રજ ડાયમંડે તૈયાર કરેલા હીરાના જીઆઈએ સર્ટિફિકેટમાં હીરામાં અગાઉ પણ નંબર છપાયા હોવાની જાણ કરતા સોફ્ટવેરમાં ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે ૨૪ થી ૨૭ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન ચાર વખત એક જ પેકેટના હીરાનું ગ્રેડીંગ બદલવામાં આવ્યું હતું. આથી મેનેજર કાંતિભાઈ સીંગાળા, ધર્મેશભાઈ સાકરીયા અને હીરા ગ્રેડીંગની એન્ટ્રીનું કામ કરતા ગૌતમભાઈ રાણા, અશોકભાઈ ગલથરીયા અને જુગલ પટેલની પુછપરછ કરતા જુગલ પટેલે પોતે ગૌતમભાઈ રાણા અને અશોકભાઈ ગલથરીયાના યુઝરનેમ અને પાસવર્ડથી પોતાના કોમ્પ્યુટરમાં લોગઈન કરી ૨ માર્ચ ૨૦૨૧ થી ૧૭ માર્ચ ૨૦૨૩ દરમિયાન બે વર્ષના સમયગાળામાં રૂ.૧૫,૬૩,૨૩,૨૪૩ ના હીરાનો બદલો મારી રૂ.૭,૨૬,૩૨,૧૯૧ની કિંમતના નીચી ગુણવત્તાના હીરા મૂકી બાદમાં ઊંચી ગુણવત્તાના હીરા સાળા ચિરાગ રેશમવાલાના મિત્ર રુચિત મહેતા મારફતે વેચી રૂ.૮,૩૬,૯૧,૦૫૨ ત્રણ હિસ્સે વહેંચી દીધાની કબૂલાત કરી હતી. આ હકીકતના આધારે પ્રવિણભાઈ વઘાસીયાએ ગતરોજ ક્રાઈમ બ્રાન્ચમાં જુગલ સુરેશભાઈ પટેલ , તેના સાળા ચિરાગ વિજયભાઈ રેશમવાલા અને તેના મિત્ર રુચિત રાજેશભાઈ મહેતા વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાવતા પીઆઈ એસ.એન.પરમારે જુગલ પટેલ અને રુચિત મહેતાની ધરપકડ કરી તેમની પુછપરછ હાથ ધરી છે.
Recent Comments