બોલિવૂડ

હું ટ્રોલર્સના આક્ષેપો જાેઈ મારી જાતને ગુનેગાર માનવા લાગી હતી : તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાને એક્ટિંગ ઉપરાંત પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહેવાનું ગમે છે. તાજેતરમાં તમન્નાએ પોતાનો ટીનએજ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો વાઈરલ બનવાની સાથે તમન્નાએ સોશિયલ મીડિયા પર નકારાત્મકતા અંગે પણ વાત કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તમન્નાએ જણાવ્યુ હતું કે, સોશિયલ મીડિયાની નકારાત્મકતાએ શરૂઆતમાં બહુ અસર કરી હતી. ટ્રોલર્સના આક્ષેપો જાેઈ મારી જાતને ગુનેગાર માનવા લાગી હતી. જાે કે સમય જતાં આ બધું હેન્ડલ કરવાનું ફાવી ગયું છે. તમન્નાએ ઓથર લ્યુક કુટિન્હો સાથે સોશિયલ મીડિયા અંગે વાત કરી હતી.

એક ઈવેન્ટ દરમિયાન લ્યુક સાથે વાતચીત કરતાં તમન્નાએ કહ્યું હતું કે, ફિલ્મોમાં સફર દરમિયાન દરેક વ્યક્તિના જીવનમાં એવો તબક્કો આવે છે, જ્યારે ઘણાં બધાં લોકો હેટ કેમ્પેઈન ચલાવે છે. ચહેરા વગરના લોકો મનફાવે તેવું લખીને તમે ખરાબ જ છો તેવું સાબિત કરવા માગે છે. પહેલી વખત આ સમય સામે આવ્યો ત્યારે હું અંદરથી હચમચી ગઈ હતી. મેં કશું ખોટું કર્યું છે કે મારી કોઈ ભૂલ થઈ છે? તેવું વિચારવા માંડી હતી. આ સમસ્યાના ઉકેલ માટે તમન્નાએ પોતાની જાત સાથે થોડો સમય કાઢ્યો અને દરેક વ્યક્તિ પોતાની દૃષ્ટિ પ્રમાણે જ મૂલવશે તેવું સમજાયુ હતું. દરેક પરિસ્થિતિમાં આદર્શ બની રહેવાનું શક્યું નથી. પોતે એક એક્ટર છે અને એક્ટરના ઘણાં ચહેરા હોય છે, તે બાબત સ્વીકારીને આગળ વધવાનું તમન્નાએ શરૂ કર્યું છે. લોકો ભલે ગમે તે કહે, પરંતુ પોતાની જાત માટેનો અભિપ્રાય ખરાબ ન હોય ત્યાં સુધી વાંધો નથી. તમન્નાએ કહ્યું હતું કે, ટ્રોલ કરનારા લોકો મારી જીંદગી જીવ્યા નથી અને તેથી તેમને મારા જીવન વિશે કોઈ આઈડિયા હોય તે શક્ય નથી.

Related Posts