fbpx
બોલિવૂડ

હું બોડી શેમિંગમાં નહીં પરંતુ બોડી પોઝિટિવિટીમાં વિશ્વાસ રાખું છું: હરનાઝ

પંજાબની મોડેલ હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સ ૨૦૨૧નો તાજ જીત્યા બાદ સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. તેણીની કરિયરની શરૂઆતમાં પાતળી હોવાને કારણે ટ્રોલ થયેલી હરનાઝ હવે તેના અચાનક વધી ગયેલા વજનને કારણે ટ્રોલ થઈ રહી છે. જાે કે, હરનાઝે હવે તેણીને ‘બોડી શેમિંગ’ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. હરનાઝે કહ્યું છે કે, “ઘણા લોકો જાણતા નથી કે મને ગ્લુટેનથી એલર્જી છે.” આ એલર્જીનું કારણ સમજાવતાં તેણે કહ્યું કે ‘‘મને સેલિયાક ડિસીઝ છે. આ રોગને કારણે, જન્મથી, મને એક ખાસ પ્રકારના પ્રોટીનથી એલર્જી છે, જે મારા સ્વાસ્થ્યને અસર કરે છે.”

હરનાઝને જે પ્રોટીનથી એલર્જી છે તે તત્વ ઘઉં, જવ અને રાઈમાં પુષ્કળ પ્રમાણમાં જાેવા મળે છે. બૉડી શેમિંગ વિશે વાત કરતાં હરનાઝે કહ્યું કે, “હું એક એવી છોકરી છું જે બૉડી શેમિંગમાં નહીં પરંતુ બૉડી પૉઝિટિવિટીમાં વિશ્વાસ રાખું છું અને હું પહેલી મિસ યુનિવર્સ છું જેને આવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે. પણ મેં હાર માની નથી. મિસ યુનિવર્સના સ્ટેજ પર, અમે મહિલા સશક્તિકરણ, સ્ત્રીત્વ અને શરીરની સકારાત્મકતા વિશે વાત કરીએ છીએ. હું જાણું છું કે મારા વજનના કારણે ઘણા લોકો મને ટ્રોલ કરી રહ્યા છે પરંતુ તેનાથી મને કોઈ અસર થતી નથી.” હરનાઝ તાજેતરની એક મુલાકાતમાં આગળ કહે છે કે, “લોકોને તેમના શરીરને જાેઈને ટ્રોલ કરવું એ ટ્રોલ કરનારાઓની માનસિકતા દર્શાવે છે. તે તેમની ભૂલ છે. માત્ર મિસ યુનિવર્સ કે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની સેલિબ્રિટી જ નહીં પરંતુ એવા ઘણા લોકો છે જેઓ દરરોજ ‘બોડી શેમિંગ’નો શિકાર બને છે

અને બહુ જ ખરાબ રીતે ટ્રોલ થાય છે.” મિસ યુનિવર્સ સ્પર્ધા વિશે લોકોમાં રહેલી ગેરસમજ અંગે હરનાઝ સંધુ કહે છે કે, ”આ સ્પર્ધાઓ માત્ર બાહ્ય સુંદરતાથી પ્રેરિત નથી. મારા માટે દરેક જણ સુંદર છે. આ એવી હરીફાઈ એ છે કે જ્યાં તમે તમારું પ્રતિનિધિત્વ કેવી રીતે કરો છો અને તમારી વિચારધારા શું છે. જાે તમને લાગે કે હું સૌથી સુંદર છોકરી છું તેથી જ મેં મિસ યુનિવર્સ જીતી છે, તો મને માફ કરશો, તમે ખોટા છો. હું સૌથી સુંદર છોકરી નથી, પરંતુ હું તે હિંમતવાન અને આત્મવિશ્વાસુ છોકરીઓમાંથી એક બની શકું છું જે માને છે કે ભલે હું જાડી છું, ભલે હું પાતળી છું, તે મારું શરીર છે, હું મારી જાતને પ્રેમ કરું છું.” હરનાઝનો આ રિપ્લાઈ અત્યારે સોશિયલ મીડિયા પર અનેક લોકોનું હૃદય જીતી રહ્યો છે.

Follow Me:

Related Posts