ભારતના ક્રિકેટ તહેવાર આઈપીએલની આવતીકાલથી ધમાકેદાર શરૂઆત થઈ રહી છે ત્યારે આ ટૂર્નામેન્ટની દરેક મેચને બોલ ટુ બોલ માણવા માટે આતૂર ક્રિકેટરસિકોને આ વખતે અનેક નવા આકર્ષણો જોવા મળશે. ખાસ કરીને ટૂર્નામેન્ટનું જે મોબાઈલ એપ્લીકેશન ઉપર પ્રસારણ થવાનું છે તે હોટસ્ટાર દ્વારા આ વર્ષની સીઝનથી ગુજરાતી કોમેન્ટરી પણ ઉમેરવામાં આવી હોવાથી ગુજ્જુ ક્રિકેટરસિકોને આઈપીએલમાં નવો જ તડકો જોવા મળશે. આ માટે હોટસ્ટાર દ્વારા રાજકોટ, અમદાવાદ અને બરોડાના આર.જે.ને પસંદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાજકોટના આર.જે.આકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હોટસ્ટાર દ્વારા ગુજરાતીમાં કોમેન્ટરી આપવા માટે નયન મોંગીયા, ઈરફાન પઠાણ સહિતના દિગ્ગજોની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આર.જે.પણ ગુજરાતીમાં કોમેન્ટરી આપવા તે માટે મારા ઉપરાંત અમદાવાદના આર.જે.ધ્વનિત અને બરોડાના આર.જે.મનન દેસાઈની પસંદગી કરાઈ છે. આ માટે અમે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટની ભાષાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને હવે અમે કોમેન્ટરી આપવા માટે તૈયાર થઈ ગયા છીએ.
તેમણે જણાવ્યું કે અમને આવતીકાલ અને પરમદિવસની મેચમાં કોમેન્ટરી કરતાં સાંભળી શકાશે. આ ઉપરાંત જ્યારે જ્યારે ગુજરાત ટાઈટન્સના મુકાબલા હશે ત્યારે અમે લોકો ગુજરાતીમાં કોમેન્ટરી કરશું. અત્યારે ગુજરાતી કોમેન્ટરીનો લ્હાવો મોબાઈલ એપ્લીકેશન હોટસ્ટાર ઉપર આઈપીએલ જોનારા ક્રિકેટરસિકોને જ મળશે પરંતુ ટૂંક સમયમાં ટાટા સ્કાયમાં પણ ગુજરાતી કોમેન્ટરી ઉમેરવામાં આવનાર હોવાથી લોકો ટીવી ઉપર પણ અમારી ગુજરાતી કોમેન્ટરી સાંભળી શકશે. આર.જે.આકાશે ઉમેર્યું કે કાલે જ ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થવાનો છે. આ મુકાબલામાં ચેન્નાઈનું નેતૃત્વ સૌરાષ્ટ્રના સાવજ રવીન્દ્ર જાડેજા સંભાળી રહ્યા છે અને તે ટીમમાં મહેન્દ્રસિંહ ધોની સહિતના જાયન્ટ ખેલાડીઓ હોવાથી તે મેચમાં કોમેન્ટરી કરવા માટે અમે આતૂર છીએ કેમ કે હજુ ગઈકાલે જ રવીન્દ્ર જાડેજાને ટીમની કમાન સોંપવામાં આવી છે ત્યારે તે કેપ્ટન તરીકે કાલથી મેદાન ઉપર ઉતરશે એટલા માટે કોમેન્ટરી થકી અમે પણ તેમનું જોરદાર સ્વાગત કરીશું.
Recent Comments