હોમ આઇસોલેશનમાં પણ મારી રાત દિવસ કાળજી લેવાઈ અને હું ઘરે રહીને જ કોરોના મુક્ત થયો – સંતોષભાઇ કામદાર
હવે ભાવનગર જિલ્લાના નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોના સામાન્ય લક્ષણો ધરાવતાં અથવા તો લક્ષણો જ ન દેખાતા હોય તેવા માઈલ્ડ કોરોના પોઝીટિવ દર્દીઓ માટે ‘હોમ આઈસોલેશન’ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે કે હવે ગ્રામીણ વિસ્તારના કોરોના પોઝીટિવ દર્દી સરકારશ્રીની માર્ગદર્શિકાને આધીન પોતાના ઘરે રહીને જ કોરોનાની સારવાર લઈ શકશે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં દર્દીઓ જાહેર કરાયેલ ખાનગી હોસ્પિટલ ખાતેથી સરકારી દરે હોમ આઇશોલેશનની સુવિધા મેળવી શકશે. જેમા હાલ ભાવનગર શહેરમાં ૨૯૮ તેમજ તાલુકાઓમાં ૬૯ મળી કુલ ૩૬૭ લોકો હોમ આઇસોલેશન થકી કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
હોમ આઇસોલેશન અંગે સરકારશ્રીની માર્ગદર્શિકા
આ માટે દર્દીની ઉમર ૧૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જરૂરી છે તેમજ દર્દીને અન્ય કોઈ બિમારી ન હોવી જોઈએ. દર્દીના ઘરની બહાર હોમ આઇસોલેશનનું બોર્ડ લગાવવું ફરજિયાત છે. જે સારવાર આપનાર ફીઝીશીયન, એમ.ઓ., પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દર્દીની સારવાર કરે છે તેમણે દર્દીનું ઘરમાં એકાંત રહેવા માટેનું સંમતિ પત્રક લેવાનું રહેશે. દર્દીની સાથે કાળજી રાખવા માટે એક વ્યકિત ૨૪ કલાક તેમની સાથે કેર ગિવર તરીકે હાજર રહે તે જરૂરી છે. દર્દીના ફોલો-અપ માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીને જરૂરી વિગતો આપવાની રહેશે.
હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીએ શું કરવું ?
દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે, માસ્ક હરરોજ બદલવાનું રહેશે તેમજ ભીનું કે ગંદુ થાય ત્યારે તથા દર ૬ થી ૮ કલાકે માસ્ક બદલવાનું રહેશે. દર્દીએ પોતાના રૂમમાં જ રહેવું, દર્દીએ પૂરતો આરામ કરવો, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી તથા પોષ્ટિક આહાર લેવો, લીંબુ, મોસંબી, સંતરા, વગેરે ફળોનું સેવન કરવું, દરરોજ સવાર-સાંજ ઘરગથ્થુ આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવું, ૪૦ સેકન્ડ સુધી સાબુ-પાણીથી હાથ વારંવાર ધોવા, દવાઓ નિયમિત લેવી, આપવામાં આવેલ મેડિકલ સાધનોથી નિયમિત આરોગ્ય પરીક્ષણ કરવું, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ શૌચાલયને ૨ ડોલ પાણીથી સાફ કરવું.
હોમ આઇસોલેશનમાં દર્દીએ શું ન કરવું ?
દર્દીએ ઘરના અન્ય વ્યક્તિઓના સંપર્કમાં ન આવવું, અન્ય લોકો સાથે વ્યક્તિગત વસ્તુઓની આપ-લે ન કરવી, તમે જે રૂમમાં છો ત્યાંથી બહાર ન નીકળવું.
હોમ આઇસોલેશનમાં રહી તાજેતરમાં કોરોનાને મ્હાત આપનારા ભાવનગરના ૮૨ વર્ષીય સંતોષભાઇ કામદાર જણાવે છે કે, મારો હોમ આઇસોલેશનનો અનુભવ ખૂબ સારો રહ્યો. હું ઘરે રહીને જ કોરોનામુક્ત થયો. આપણે ઘરે રહીને જ કોરોનાની સારવાર લઈ શકીએ છીએ એ હોમ આઇસોલેશનનો ખૂબ મોટો ફાયદો છે. હોમ આઇસોલેશન દરમિયાન ડોક્ટર્સ દ્વારા સવાર-સાંજ વિડીયો કોલ મારફતે પલ્સ, બી.પી., ટેમ્પરેચર વગેરે માહિતી એકત્ર કરી મારી કાળજી લેવામાં આવી અને મને ઘરે બેઠાં કોરોનાની સારવાર મળી. હું ઘરે જ પરિવારજનોની પાસે હોઈ પરિવારજનો પણ ચિંતામુક્ત બન્યા.
વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે, તેમને ૧૫ દિવસ પહેલા કોરોનાની અસર થઇ હતી અને તે બજરંગદાસબાપા આરોગ્યધામ, પાનવાડી ખાતે ૫ દિવસ સારવાર લીધાબાદ છેલ્લા ૭ દિવસ હોમ આઇશોલેશનમાં રહ્યા હતા અને બાદમાં તેઓ કોરોના પર વિજય મેળવવામાં સફળ રહ્યા હતા. કોરોનાને હરાવવામાં તેમણે દરરોજ પાંચ ગ્લાસ લીંબુ પાણી અને એક ગ્લાસ નાળીયેર પાણી પીને પોતાની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કર્યો હતો. જેથી આજની તારીખમાં તેમને ઓક્સિજન લેવલમાં વધારો જોવા મળ્યો છે. હાલ કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર જે પગલાઓ ભરી રહ્યા છે તેમાં સરકારની પડખે ઉભા રહી તેમને સાથ આપવો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા હાલ જે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે તેમા તમામ લોકોએ ડર કે સંકોચ રાખ્યા વિના અવશ્ય લોકોને વેક્સિન લેવા પણ પ્રેરિત કર્યા હતા.
Recent Comments