હોળાષ્ટકનો પ્રારંભ બુધવારે રાત્રે 1.57 કલાકથી થઇ રહ્યો છે. જ્યારથી હોળાષ્ટક બેસી જશે ત્યારથી શુભ કાર્યો કરી શકાતા નથી
હોળાષ્ટકનો પ્રારંભ બુધવારે રાત્રે 1.57 કલાકથી થઇ રહ્યો છે. જ્યારથી હોળાષ્ટક બેસી જશે ત્યારથી શુભ કાર્યો કરી શકાતા નથી. લગ્ન, વાસ્તુ, નવા ધંધાની શરૂઆત જેવા શુભ કાર્યો હોળાષ્ટક દરમિયાન કરવા અશુભ માનવામાં આવે છે. આથી આગામી 8 દિવસ સુધી શુભ કાર્યોને બદલે પૂજાપાઠ, જપ-તપ, કથા, ચંડીપાઠ, લઘુરુદ્ર, રુદ્રી સહિતના ધાર્મિક કાર્યો કરી શકશે. તારીખ 18 માર્ચને શુક્રવારે ધુળેટીના દિવસે બપોરે 12.48 કલાકે હોળાષ્ટક પૂરા થઇ જશે. આ વર્ષે ફાગણ સુદ ચૌદશને તારીખ 17મીએ ગુરુવારે હોલિકા દહન છે અને શુક્રવારે ધુળેટી હોવાનું શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે.
જેવી રીતે દરેક ધર્મ અને જ્યોતિષમાં માંગલિક કાર્યો માટે ચોક્કસ શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે તેવી રીતે અશુભ સમય પણ ક્યો છે તે જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં શુભ કામો ન કરવાનું અને આ સમયે જો કોઇ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું અશુભ ફળ મળે છે તેવું માનવામાં આવે છે. ત્યારે આગામી બુધવારથી હોળાષ્ટક બેસશે એટલે કે આઠ દિવસના સમૂહને હોળાષ્ટક કહેવામાં આવે છે.
આ દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરાતું નથી. હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન, રાજા હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે સખત ત્રાસ આપ્યો હતો. છેલ્લા દિવસે તેને હોલિકા દહન દરમિયાન મારવાનો પ્રયાસ કર્યો હતો. તેથી આ 8 દિવસોમાં કોઈ શુભ કાર્ય ન કરવાનું માનવામાં આવે છે.
Recent Comments