ભાવનગર

હ્રદયમાં કાણું ધરાવતી ઘોઘા તાલુકાના છાયા ગામની બાળકીનું સફળ ઓપરેશન

“રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” થકી મેડિકલ ઓફિસર પાસે તપાસ કરાવી તો માલુમ પડ્યું કે બાળકીને  હ્રદયમાં કાણું છે, અમારો પરિવાર ચિંતાતૂર થઈ ગયો હતો અને ખરા સમયે દેવદૂત બનીને આવ્યો સરકારશ્રી દ્વારા અમલ મુકેલો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી અમારી લાડલીનું ઓપરેશન એક પણ રૂપિયાના ખર્ચ વગર થયું જે માટે અમે સરકારશ્રીના આભારી છીએ” તેવું ઘોઘા તાલુકાના છાયા ગામમાં રહેતા અંકિતાના પિતા જણાવે છે. 

        ઘોઘા તાલુકાના છાયા ગામના મહેશભાઇ દિહોરા ગામમાં નાનકડી પ્રોવિઝન સ્ટોરની દુકાન ચલાવે છે. સરકારશ્રીના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” થકી મેડિકલ ઓફિસર ડો. મુબારક ચોકિયાને ખ્યાલ આવ્યો કે બાળકીને હ્રદયમાં તકલીફ છે અને તેમના પરિવારને આ અંગે સમજાવવામાં આવ્યા પરંતુ નાનાં ગામમાં રહેતા અને પોતાની લાડકવાયી દીકરીને હ્રદયમાં કાણું હોવું એ સામાન્ય પરિવાર માટે માનવું પણ મુશ્કેલ છે ત્યારે ડો. મુબારક દ્વારા અવારનવારની સમજાવટથી બાળકીને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે આગળની તપાસ માટે પરિવાર સહમત થયો હતો. ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં અંકિતાના રિપોર્ટ કરવામાં આવ્યા જેમાં તેના હ્રદયમાં કાણું હોવાનું માલુમ પડ્યું. આ વાત સાંભળતા અંકિતાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. પરંતુ આ સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ અંકિતા અને તેના પરિવારને વ્હારે આવી.

        રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નાનકડી અંકિતાના પરિવારને તાત્કાલિક અને નિ:શૂલ્ક સારવાર માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું અને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંકિતાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સરકારશ્રીનો “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” ભાવનગર જિલ્લાના દિહોરા પરિવાર માટે આશીર્વાદ બનીને આવ્યો અને તેમના જીવનને ખુશીઓથી ભરી દીધું છે. અંકિતાના પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે હવે તેની તબિયત સારી છે અને તે સ્વસ્થ જીવન જીવી રહી છે.

        રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમએ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકારશ્રી દ્વારા ચલાવામાં આવતી અને રાજ્ય સરકારશ્રી દ્વારા અમલીકરણમાં આવતી ઉત્કૃષ્ટ યોજના છે. જે અંતર્ગત જન્મથી ૧૮ વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોની કેન્સર, હ્રદય, કિડની પ્રત્યા રોપણ સહિતના ગંભીર રોગોની નિ:શૂલ્ક સારવાર કરવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય  ટીમ દ્વારા બાળકોના આરોગ્ય્ તપાસ અને સારવાર કરવામાં આવે છે અને ગંભીર બિમારી જણાય તો સી.એચ.સી./હોસ્પિસટલમાં વધુ સારવાર આપવામાં આવે છે. 

        “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અન્વયે જન્મથી જ ગંભીર બિમારીઓથી પીડિત બાળકોને ઈલાજ ઉપલબ્ધ થવાથી તેમના મજબૂત ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે. તમામ બાળકોને પોતાની પૂર્ણ ક્ષમતાથી આગળ વધવાનો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી કેન્દ્ર સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની આવી અનેક યોજનાઓ અમલી છે. વ્યક્તિ જ્યારે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશે ત્યારે જ તેનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થશે. રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકની શારીરિક અને માનસિક સ્વસ્થતા ખૂબ જરૂરી છે.

        ભાવનગરમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચન્દ્રમણી પ્રસાદ, આર. સી.  એચ. ઓ. ડો. કોકિલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુફિયાનભાઇ લાખાણી, મેડિકલ ઓફિસર ડો. મુબારક ચોકિયા, ડો. શ્રીકેતાબા સરવૈયા, ફાર્મસિસ્ટ શ્રી વૈશાલીબેન શાહ, એફ.એચ.ડબલ્યુ વનિતાબેન શાહ, એમ.પી.એચ.ડબલ્યુ શ્રી સૂચિતભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.

Related Posts