૧૨ માર્ચે ખેલ મહાકુંભ ૨૦૨૨નો પ્રારંભ કરાવશે
ગુજરાત ખેલ મહાકુંભ ૨૦૨૨નો ૧૨મી માર્ચથી પ્રારંભ અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થવાનો છે. જેનું સમગ્ર આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. જેના પગલે આજથી નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને ડેપ્યુટી કમિશનરોએ સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લઇ અને તેમાં કરવામાં આવતી તૈયારીઓ અને સમગ્ર આયોજન બાબતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સ્ટેડિયમમાં રંગરોગાન સાફ-સફાઈ અને રોડની રિપેરિંગની કામગીરી સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત ખેલ મહાકુંભને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી. જેમાં આ સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખા ઘડી દેવામાં આવી હતી અને અલગ-અલગ અધિકારીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવવાના હોય કોઈપણ પ્રકારની ચૂક ના રહી જાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બેઠક વ્યવસ્થાથી લઇ અને પાર્કિંગ, હોર્ડિંગ્સ, બેનરો, સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલરૂમ, સિક્યુરિટી, સ્ટેજ, ગ્રીનરૂમ વગેરે અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.કોરોનાકાળના બે વર્ષ બાદ રાજ્યમાં ખેલ મહાકુંભ યોજાવવા જઈ રહ્યો છે.
૧૨મી માર્ચના રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ખેલ મહાકુંભ ૨૦૨૨ની શરૂઆત કરાશે. અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆતના કાર્યક્રમને લઈ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. પશ્ચિમ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર ખરસાણને સ્ટેડિયમના કાર્યક્રમ અંગે જવાબદારી સોપાઈ છે. બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઝોન અને વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સાથે રાઉન્ડ લઈને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.
Recent Comments