લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં ૫૪૩ લોકસભા સીટો માટે યોજાવાની છે.જેમાં ચોથા તબક્કાની ચૂંટણી ૧૩ મેના રોજ યોજાશે. આ તબક્કામાં કુલ ૯૬ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. ચોથા તબક્કા માટે ૧૮મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ૨૫મી એપ્રિલ સુધી નામાંકન દાખલ કરી શકાશે. તેવી જ રીતે ઉમેદવારી પત્રોની ચકાસણી માટે ૨૬મી એપ્રિલ અને ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટે ૨૯મી એપ્રિલ ૨૦૨૪ નક્કી કરવામાં આવી છે.
ચોથા તબક્કાની ચૂંટણીમાં ભારતના ૧૦ રાજ્યમાં યોજાશે. જેમાં આંધ્રપ્રદેશમાં ૨૫, છત્તીસગઢમાં ૫, ઝારખંડમાં ૪, મધ્યપ્રદેશમાં ૮, મહારાષ્ટ્રમાં ૧૧, ઓડિશામાં ૪, તેલંગાણામાં ૧૭, ઉત્તર પ્રદેશમાં ૧૩, પશ્ચિમ બંગાળમાં ૮ બેઠકો પર મતદાન થશે. લોકસભાની તમામ ૫૪૩ બેઠકોના પરિણામ ૪ જૂને આવશે. ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ૯૭ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે લોકસભાનો કાર્યકાળ ૧૭ જૂને સમાપ્ત થઈ રહ્યો છે. આ લોકસભા ચૂંટણી માટે દેશભરમાં ૧૦.૫ લાખથી વધુ મતદાન કેન્દ્રો છે.જેમાં ૫૫ લાખથી વધુ ઈવીએમ દ્વારા મતદાન કરવામાં આવશે.
ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજવા માટે ૧.૫ કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ બંદોબસ્તમાં ગોઠવામાં આવશે. આ વખતે ૧.૮૨ કરોડ યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચે ૧૭ સામાન્ય ચૂંટણીઓ અને ૪૦૦થી વધુ વિધાનસભા ચૂંટણીઓ યોજી છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચ છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને સૂત્ર આપતાં તેમણે જણાવ્યુ કે ચૂંટણીનો તહેવાર, દેશનું ગૌરવ છે. આ સાથે જ તેમણે કહ્યું કે ભારતમાં ચૂંટણીએ લોકશાહીનો તહેવાર છે.આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે. તેમણે કહ્યું કે આખી દુનિયા ભારતની ચૂંટણી પર નજર રાખી રહી છે.
Recent Comments