૧૭ વર્ષની સગીરાની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઈ
કોવિડની અસરને કારણે હૃદય ડેમેજ થતાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોવાનો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. મોટેભાગે કોવિડથી હૃદયને અસરના કિસ્સામાં દવાથી રિકવરી આવી જાય છે, પણ આ દર્દીને સતત ચાર મહિના સુધી દવા આપવા છતાં કોઇ ફેર લાગતો ન હતો, જેથી એમઆઇઆઇ રિપોર્ટ કરાવતાં ૫૦ ટકાથી વધુ હૃદય ડેમેજ થઇ ગયું હતું. સ્વસ્થ વ્યકિતના હૃદયનું પમ્પિંગ ૫૫-૬૫ ટકા વચ્ચે હોય છે, જયારે આ કિશોરીના હૃદયનું પમ્પિંગ માત્ર ૧૨થી ૧૫ ટકા હતું. એમઆરઆઇ રિપોર્ટમાં હૃદય ૫૦ ટકા ડેમેજ થવાની સાથે હૃદયના અન્ય ભાગમાં ઇન્ફેકશન વધતું જતું હતું. ૧૭ વર્ષીય દીકરીનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોવાથી દીકરીના પિતાએ સુરતની ડોનેટ લાઇફને બ્રેઇનડેડ દર્દીનું હૃદય મળે તો દીકરીને આપવા વિનંતી કરી હતી. દીકરીની ઉંમરને ધ્યાને રાખી પ્રાથમિકતા અપાઈ હતી. સુરતની ૪૩ વર્ષીય બ્રેઇનડેડ મહિલાનું હૃદય સુરતની આઇએનએસ હોસ્પિટલથી અમદાવાદ સુધીનું ૨૭૭ કિલોમીટરનું અંતર ૧૦૦ મિનિટમાં કાપીને હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લવાયું હતું. હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિલન ચગ અને ડૉ. અનિશ ચંદારાણાએ જણાવ્યું હતું કે, હાર્ટનું ડોનેશન ડોનેટ લાઇફ તરફથી મળ્યું હતું. બુધવારે હોસ્પિટલમાં આ ૨૩મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.કોવિડ થયા બાદ અનેક લોકોને ફેફસાં, મગજ અને હૃદયની નસોમાં બ્લોકેજ થવાના અનેક કિસ્સા નોંધાયા છે. કોરોના બાદ અમરેલીના ડોકટર પિતાની ૧૭ વર્ષીય દિકરીના હૃદયનું પમ્પિંગ ૧૫ ટકા થવાની સાથે ૫૦ ટકા હાર્ટ ડેમેજ થતાં દીકરીનો જીવ બચાવવા સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. કોવિડ થયા બાદ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયાનો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. અમરેલીના ડો. નિલેષભાઇ ભિંગરાડિયા જણાવે છે કે, માર્ચમાં મારી ૧૭ વર્ષની પુત્રીને તાવ આવતા એન્ટિજન અને સીઆરટી ટેસ્ટ કરાવતાં બંને નોર્મલ આવ્યાં હતા. પરંતુ, એક મહિના પછી અચાનક દીકરીએ શ્વાસ ચઢવાની ફરિયાદ કરતા હૃદયના વિવિધ રિપોર્ટ કરાવ્યા બાદ દવા શરૂ કરી હતી, પણ ૬થી ૭ મહિના સુધી દવાની અસર થઈ ન હતી અને હૃદયનું પમ્પિંગ ૧૫ ટકા થઈ જતાં ૮ મહિનામાંથી સાડા ચાર મહિના સમયાંતરે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આખરે જીવ બચાવવા હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે છેલ્લાં સવા મહિનાથી દીકરીને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરીને હૃદય મળે તેની રાહ જાેતા હતા. તેવામાં સુરતની ડોનેટ લાઇફ સંસ્થાએ સુરતની એક ૪૩ વર્ષીય બ્રેઇનડેડ મહિલાનું હૃદય હોવાની માહિતી આપતાં ૧૫ ડિસેમ્બરે સિમ્સ હોસ્પિટલમાં મારી દીકરીનું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. મારી અપીલ છે કે, સુરતની જેમ રાજ્યના અન્ય શહેરોમાં પણ ડોનેટ લાઇફ જેવી સંસ્થા થાય તો અંગદાનને વેગ મળે.
Recent Comments