૨૫૦ વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રંટ પર ખસેડવાની હિલચાલથી ભક્તોમાં રોષ
૨૫૦ વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરને રિવરફ્રંટ પર ખસેડવાનો ર્નિણય લેતા ભક્તો દ્વારા તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. પીઆઇએલમાં મંદિરને રિવરફ્રંટ પર ખસેડવા મામલે કોર્ટને દિશાનિર્દેશ આપવા અરજ કરવામાં આવી છે. ૩૧મી મેના રોજ મંદિરના ટ્રસ્ટીઓએ કેન્ટોન્મેન્ટ બોર્ડના સીઇઓને પત્ર લખીને અન્યત્ર જમીન ફાળવવા માટે કહેવાયું હતું, ત્યારથી જ આ મામલે વિવાદ શરુ થયો હતો.
કેન્ટોન્મેન્ટ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એક મિટિંગ થઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટીઓએ હનુમાનજીની મૂર્તિને અન્યત્ર ખસેડવાનું નક્કી કર્યું હતું. બંને પક્ષોએ આ મામલાનો પરસ્પરની સહમતિથી નિવેડો લાવવા માટે પ્રયાસો શરુ કરાયા હતા, જેના ભાગરુપે રિવરફ્રંટ પર જમીન માગવામાં આવી હતી.
ટ્રસ્ટીઓ દ્વારા લખાયેલા પત્રમાં જણાવાયું હતું કે, હાલ મંદિર જે જગ્યા પર છે તે જમીનને ૧૯૪૫થી મંદિર દ્વારા કેન્ટોન્મેન્ટ પાસેથી લીઝ પર લેવામાં આવેલી છે. જેને દર ૨૦ વર્ષે રિન્યૂ કરાય છે, અને તેનું એક વર્ષનું ભાડું ૩૪,૦૦૦ છે. મંદિર આર્મીના વિસ્તારમાં આવેલું હોવાથી સુરક્ષાના કારણોસર ટ્રસ્ટીઓ તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવા તૈયાર થયા હતા, જાેકે તે વખતે પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે ટ્રસ્ટીઓને પત્ર લખી પોતાના ર્નિણય પર ફેરવિચારણા કરવા પણ અપીલ કરી હતી.
મંદિરના પૂજારી અતુલ શર્મા તેમજ કનૈયાલાલ પંડિત અને તેમના પરિવારે પોતાના પત્રમાં ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કે, આ જગ્યા પર હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે. બ્રિટિશ કાળમાં પણ તેમને અહીંથી હટાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેને અટકાવવા માટે ભગવાને મધમાખીની સેના મોકલી હતી. પૂજારીઓનો એવો પણ દાવો છે કે તેમને ઘણીવાર આરતી કરતી વખતે ભગવાનની હાજરીનો અહેસાસ થયો છે, તેવામાં આ મૂર્તિને અહીંથી હટાવવામાં ના આવે.
Recent Comments