ગુજરાત

૨૬ લોકસભા બેઠકો પર ૫ લાખની લીડનો પાટીલનો લક્ષ્યાંકરેકોર્ડ લીડ માટે પાટીલે કાર્યકરોને ગણિત શીખડાવ્યું

લોકસભાની ચૂંટણી હવે દૂર નથી, પાંચ રાજ્યોના પરિણામો બાદ લોકસભા માટેનો માહોલ જામી જશે, ત્યારે ભાજપ અત્યારથી જ ચૂંટણીના મોડમાં આવી ગયું છે. સ્નેહ સંમેલન કાર્યક્રમમાં સી આર પાટીલે ફરી કાર્યકરોને લક્ષ્યાંક યાદ અપાવ્યો છે. ભાજપનો લક્ષ્યાંક ફક્ત તમામ બેઠકો જીતવાનો નહીં, પણ જંગી લીડ સાથે જીતવાનો છે. દિવાળી બાદ ગુજરાત ભાજપમાં સ્નેહ સંમેલન સમારંભોનો દોર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમોમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જાેડાય છે. જેને જાેતાં કાર્યકરોને કોઈ સંદેશ આપવો હોય તો આ અવસર યોગ્ય છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અત્યારે આ જ કરી રહ્યા છે. તેઓ કાર્યકરો અને પદાધિકારીઓને લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે.

સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર યોજાયેલા ભાજપના સ્નેહસંમેલનમાં પાટીલે ફરી લોકસભાની તમામ બેઠકો જીતવાની વાતને દોહરાવી. તેમણે કાર્યકરોને તમામ બેઠકો ૫ લાખથી વધુ મતોની લીડ સાથે જીતીને રેકોર્ડ સર્જવા આહ્વાહન કર્યું છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપે ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતી હતી. ૨૦૧૯માં ભાજપે ૪ લોકસભા બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની લીડ મેળવી હતી. જાે કે પાટીલ હવે આ લીડને તમામ બેઠકો માટે લાગુ કરવા માગે છે. આ માટે તેમણે કાર્યકરો, પદાધિકારીઓ અને સાંસદ સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અત્યારથી જ જનસંપર્કમાં લાગી જવા કહ્યું છે.. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પાટીલે તમામ ૧૮૨ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. જાે કે ભાજપે ૧૫૬ બેઠકો જીતી હતી, જે પોતાનામાં રેકોર્ડ છે. આ જ તર્જ પર પાટીલે લોકસભામાં પાંચ લાખ મતોની લીડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના જે ચાર ઉમેદવારો પાંચ લાખ મતોથી વધુની લીડ સાથે જીત્યા હતા, તેમના પર નજર કરીએ તો, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ૫ લાખ ૫૭ હજાર ૧૪ મતોની લીડ સાથે જીત્યા હતા. વડોદરાથી રંજનબેન ભટ્ટ ૫ લાખ ૮૯ હજાર ૧૭૭ મતોની લીડ સાથે, સુરતથી દર્શનાબેન જરદોષ ૫ લાખ ૪૮ હજાર ૨૩૦ મતોની લીડ સાથે અને નવસારીથી સી આર પાટીલ ૬ લાખ ૮૯ હજાર ૬૬૮ મતોની લીડ સાથે જીત્યા હતા. જે ફ્કત ગુજરાત નહીં પણ દેશના ઈતિહાસમાં સૌથી મોટી લીડ છે. ૨૦૧૪માં પણ ભાજપે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો પાંચ લાખથી વધુ મતોની સરસાઈથી જીત્યા હતા, જેમાં નરેન્દ્ર મોદી વડોદરાથી ૫ લાખ ૭૦ હજાર ૧૨૮ મતોની લીડ સાથે જીત્યા હતા. સુરતથી દર્શનાબેન જરદોષ ૫ લાખ ૩૩ હજાર ૧૯૦ મતની લીડ સાથે અને નવસારીથી સી આર પાટીલ ૫ લાખ ૫૮ હજાર ૧૧૬ મતોની લીડ સાથે જીત્યા હતા. પાટીલે ૨૦૧૯માં પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.. હવે તેઓ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર એક નવો રેકોર્ડ સર્જવા માગે છે.

Follow Me:

Related Posts