fbpx
રાષ્ટ્રીય

૨૯ ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે જાણો…

ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. ૨૯ ઓગસ્ટે હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે અને મેજર ધ્યાનચંદે હોકીમાં એટલી બધી સિદ્ધી મેળવી છે કે તેમના જેવો રમતવીર આજ સુધી થયો નથી. ૧૯૨૮,૧૯૩૨ અને ૧૯૩૬માં હોકી ખેલાડી મેજર ધ્યાનચંદે ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીત્યો હતો. ૧૯૨૬થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન ૫૭૦ ગોલ કર્યા હતા. રાષ્ટ્રીય રમતગમત દિવસે વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત અને રમતગમતની પરંપરાઓને સન્માનિત કરવાના હેતુથી મનાવામાં આવે છે. આ દિવસે વિવિધ વયજૂથના લોકો કબડ્ડી, મેરેથોન, બાસ્કેટબોલ, હોકી વગેરે રમતોમાં ભાગ લે છે. ભારતમાં ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ, બોક્સિંગ, શૂટિંગ, કુસ્તી, કબડ્ડી, વોલીબોલ વગેરે રમતો રમાય છે. ભારતમાં ક્રિકેટને એક રમત નહીં ધર્મ માનવામાં આવે છે.

દેશમાં ક્રિકેટરો સાથે સેલિબ્રિટી જેવો વ્યવહાર થાય છે. કેટલાક સૌથી લોકપ્રિય ક્રિકેટરો છે – સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી. ફૂટબોલ, જે વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે, તે પણ ધીમે ધીમે દેશમાં પોતાની જગ્યા બનાવી રહી છે. રાષ્ટ્રીય ખેલ દિવસ સ્કૂલ, કોલેજ અને ખાસ કરીને ખેલ એકેડમીઓમાં મનાવાય છે. આ દિવસે રમત રમાડીને નવયુવાનોને ખેલ પ્રત્યે જાગૃત કરવાનો અને તેમને રમતોનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરાય છે. રમતોની મદદથી યુવાનોને નશાથી દૂર લઈ જઈ શકાય છે, તેમની અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા, અને ભારત દેશનું નામ રમતગમત ક્ષેત્રમાં આગળ લાવી શકાય છે. આ રાષ્ટ્રીય રમત દિવસને દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં મનાવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપતિ પોતે દેશ માટે સૌથી સારું રમનાર ખેલાડી ને સન્માનિત કરે છે.

જેમાં ખેલાડીઓને ધ્યાનચંદ એવોર્ડ, નેશનલ એવોર્ડ, અર્જુન એવોર્ડ, રાજીવગાંધી ખેલ રત્ન એવોર્ડ અને બીજા ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ, વાર્ષિક રમતોત્સવ અને રમતગમત સ્પર્ધા જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. રમતો પ્રત્યે જાગૃતતા કેળવાય અને બાળકોનો શારીરિક વિકાસ થાય તે હેતુસર યોજવામાં આવે છે. આ ઉપરાંત રમતગમતથી બાળકોમાં સમુહભાવના, સાહસ, આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકસે છે. રમતગમત થી બાળકોની યાદશક્તિ, એકાગ્રતા અને શરીરની સ્ફૂર્તિમાં વધારો થાય છે. બાળકોની એકલતા અને ચીડિયાપણું દૂર થાય છે.

બાળકો જ્યારે ટીમ બનાવીને બીજે ગામ, શહેર , રાજ્ય કે દેશમાં રમવા જાય ત્યારે તે બીજા બાળકોને તથા તેમની સાથે આવનારા માણસોને પણ જાણે છે અને તેમનામાં રહેલી વિશિષ્ટ બાબતોની નોંધ લેવાની તેમને તક મળે છે. તેમના મિત્ર વર્તુળમાં પણ વધારો થાય છે. આપણી શાળાઓ માં પણ ઘણા વિધાર્થીઓ એવા હોય છે કે જેમને ભણવા કરતા પણ ખેલકુંદમાં વધારે રસ હોય છે.શાળાના બાળકો ને પણ આગળ વધવાની તક મળે એ માટે આપણે શાળા કક્ષા એ રાષ્ટ્રીય રમત દિવસ ની ઉજવણી કરવી જાેઈએ. આ ઉજવણી શાળા કક્ષાએ કરવામાં આવે તો શિક્ષક મિત્રોને પણ જાણકારી મળે છે કે મારી શાળા માં કયો વિદ્યાર્થી કઈ રમત માં હોશિયાર છે.બાળકોને પણ રમતા રમતા ભણવાની મજા આવે છે. ચાલો આપણે પણ રાષ્ટ્રીય રમત દિવસ ની ઉજવણી કરીએ.

Follow Me:

Related Posts