fbpx
રાષ્ટ્રીય

૩૫ ડિગ્રી તાપમાનને કારણે લેહમાં ફ્લાઈટ રદ કરી દેવાઈ

હાલ દેશમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીર અને લેહમાં ભારે ગરમી પડી રહી છે. જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખમાં પડી રહેલ તાપમાને છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જાણીને જરૂરથી આશ્ચર્ય થશે કે લેહ એરપોર્ટ પર ભારે ગરમીના કારણે ૪ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે લેહમાં તાપમાન ૩૫ ડિગ્રી હતું. વધુ પડતા તાપમાનને કારણે ફ્લાઈટ્‌સ કેમ રદ કરવામાં આવે છે અને આ જ તાપમાનમાં જ્યારે અન્ય કોઈ શહેરોમાં નોંધાય ત્યારે કેમ ત્યાં ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવતી નથી. આ વખતની ભીષણ ગરમીએ કાશ્મીર ઘાટીમાં ૧૩૨ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

સ્થિતિ એ છે કે લદ્દાખ અને કાશ્મીરનું તાપમાન દિલ્હી-મુંબઈ અને ઉત્તર ભારતના ગરમ રાજ્યો કરતાં ઘણું વધારે નોંધાયું છે. ગરમીના કારણે કેટલીક જગ્યાએ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, તો લેહમાં ફ્લાઈટ પણ બંધ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે ફ્લાઈટ્‌સ કેમ કેન્સલ થાય છે. ભારે વરસાદ અથવા હિમવર્ષા દરમિયાન ઘણીવાર ફ્લાઈટ્‌સને ઉડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ લેહમાં ગરમીના કારણે ફ્લાઈટ્‌સ રદ કરી દેવી પડી છે. આ બનાવ છે ગયા રવિવારનો. લેહ એરપોર્ટ પર વધુ પડતી ગરમીને કારણે ૪ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી.

જ્યારે આ પહેલા શનિવારે દિલ્હીથી ઉડેલી ફ્લાઈટ લેહ એરપોર્ટ પર લેન્ડ કરી શકી ન હતી. હાલમાં લેહમાં તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે, જે આ વિસ્તાર માટે અસામાન્ય રીતે ગરમ છે. વિમાન ઉડાવતી વખતે પાયલટે તાપમાન અને હવાના દબાણ જેવા પરિબળને ફણ ધ્યાનમાં રાખવાનું હોય છે. જ્યારે પણ આમાંથી કોઈ એક પરિબળ તેની ચરમસીમા પર હોય છે, ત્યારે વિમાનને ટેકઓફ કે લેન્ડ થવામાં વિલંબ થઈ શકે છે

અથવા તો આખી ફ્લાઇટ રદ થઈ શકે છે. ટેક-ઓફ દરમિયાન, પાયલોટે ભારે વિમાનને ગુરુત્વાકર્ષણ બળ સામે લડીને તેને નીચે ખેંચીને હવામાં ઉપર લેવુ પડે છે. ગુરુત્વાકર્ષણને હરાવવા અને વિમાનને ઉપર તરફ ધકેલવા માટે પવનની મદદ લેવામાં આવે છે. એટલે કે, વિમાનનું વજન જેટલું વધારે હશે, પાઈલટને ઉડાન ભરવા માટે હવાના દબાણની જરૂર પડશે. પરંતુ ગરમ તાપમાનમાં વિમાન આ માટેનુ જરુરી થ્રસ્ટ મેળવી શકતું નથી. વાસ્તવમાં, હવા જેટલી ગરમ હોય છે, તેટલી વધુ તે વિસ્તરે છે. હવાનું વિસ્તરણ એરક્રાફ્ટને ઉપર તરફ ધકેલવા માટે જરૂરી હવામાં ઘટાડો કરે છે.

જેના કારણે એન્જિનને જરૂરી થ્રસ્ટ મળતો નથી.લેહમાં તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે છે. જ્યારે દેશના અન્ય કોઈ શહેરમાં તાપમાન ૪૦ને પાર કરે તો પણ વિમાન ટેકઓફ કરે છે. શા માટે ? ખરેખર, લેહ એરપોર્ટ ૧૧ હજાર ફૂટની ઉંચાઈ પર છે. અહીં હવામાં ભેજ બહુ ઓછો હોય છે. ક્યારેક તો હવામાં ભેજનું પ્રમાણ રહેતુ નથી. ઓક્સિજન પણ ઓછો હોય છે અને શુષ્ક હવામાન છે. તેથી પ્લેન ટેકઓફ થવા માટે જરૂરી થ્રસ્ટ મેળવી શકતું નથી. બીજી તરફ દેશના અન્ય શહેરોનું હવામાન લેહથી ઘણું અલગ હોય છે. અહીંની હવામાં રહેલા ભેજને કારણે હવા પ્રમાણમાં ભારે હોય છે. તેથી, ફ્લાઈટ્‌સને ટેકઓફ કરવામાં કોઈ સમસ્યા નડતી નથી.

Follow Me:

Related Posts