૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન અંતર્ગત જિલ્લામાં યોજાઇ રહેલા વિવિધ જાગૃકતા કાર્યક્રમો વિશે માહિતી આપતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે જિલ્લામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન અંતર્ગત જિલ્લામાં યોજાઇ રહેલા વિવિધ જાગૃકતા કાર્યક્રમો વિશે પત્રકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં નેશનલ ગેમ્સ બાબતે વિદ્યાર્થીઓ સહિત લોકોમાં જાગૃતિ આવે તે માટે આગામી તા. ૧૫ થી તા. ૧૭ સપ્ટેમ્બર સુધી દરેક શાળા કોલેજો અને યુનિવર્સિટી ખાતે વિવિધ રમતો અને કાર્યક્રમો યોજાશે. તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ યોજાશે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ૭ વર્ષોથી નેશનલ ગેમ્સનું આયોજન ન થતા હાલમાં ગુજરાત રાજ્ય ખાતે તા. ૨૯ સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર સુધી રાજ્યના ૬ મહાનગરો ખાતે નેશનલ ગેમ્સ યોજાશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગર ખાતે રાજ્ય સરકારે રમતોનું આયોજન કરાયું છે. નેશનલ ગેમ્સમાં ૩૬ રમતોનો સમાવેશ કરાયો છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં યોજાનારી નેશનલ ગેમ્સમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. નેશનલ ગેમ્સનું આયોજનમાં જ ૩ થી ૪ વર્ષનો સમય લાગતો હોય છે. જે ગુજરાત સરકારે ૩ મહિનાથી ઓછા સમયમાં સફળ આયોજન કરવાના પડકારને સારી રીતે ઝિલ્યો છે. નેશનલ ગેમ્સ બાબતે દાહોદ જિલ્લામાં જાગૃકતા આવે એ માટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દેવગઢ બારીયાના સ્વ. જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોને નેશનલ ગેમ્સ બાબતે માહિતગાર કરાશે. તદ્દઉપરાંત, દાહોદનાં સીંગવડ-દાસા ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોરની ઉપસ્થિતિમાં તા. ૧૭ સપ્ટેમ્બરે એસ.આર. ભાભોર આર્ટસ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાશે.
તેમજ તા. ૧૫ થી તા. ૧૭ સપ્ટેમ્બર દરમિયાન દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજીને શાળાઓ-મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓને નેશનલ ગેમ્સ બાબતે જાગૃત કરાશે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા સહિતના અધિકારીઓ તેમજ પત્રકારઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Recent Comments