૩ એપ્રિલે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાશે, નડિયાદમાં આ કેન્દ્રો પર વ્યવસ્થા કરાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી ૩ એપ્રિલના રોજ ગુજકેટ પરીક્ષા લેવાશે. ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના આયોજન અંગે કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. આ પરીક્ષામાં ૨ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા કલેક્ટરએ ગુજકેટ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી અને પરીક્ષાને લઈને આગોતરી તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પરીક્ષા સંદર્ભે તૈયારીની રૂપરેખા, કેન્દ્રની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, એસ.ટી બસોની વ્યવસ્થા, તમામ સ્થળો ઉપર સી.સી.ટી.વી કેમેરાની ચકાસણી, વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. નડિયાદની સેન્ટ મેરી હાઇસ્કુલ યુનિટ-૧, સેન્ટ મેરી હાઇસ્કુલ યુનિટ-૨, સંતરામ ગર્લ્સ હાઇસ્કુલ, જવાહર વિદ્યા મંદિર, સંત અન્ના હાઇસ્કુલ યુનિટ-૧, સંત અન્ના હાઇસ્કુલ યુનિટ ૨, ન્યૂ ઇંગલિશ સ્કૂલ યુનિટ-૧, ન્યૂ ઇંગલિશ સ્કૂલ યુનિટ ૨, જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી, બાસુંદીવાલા પબ્લિક હાઇ સ્કૂલ અને સીએમ પટેલ હાઇસ્કુલ સહિત કુલ ૧૧ પરીક્ષાકેન્દ્રોના ૧૨૬ બ્લોક ખાતે જિલ્લામાંથી કુલ ૨૫૦૦ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
ગુજકેટની પરીક્ષા સવારે ૯ કલાકે થી સાંજે ૪ કલાક સુધી યોજાશે. કુલ વિદ્યાર્થી પૈકી ગુજરાતી માધ્યમમાં ૧૬૬૩ અને અંગ્રેજી માધ્યમમાં ૮૩૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં “એ” ગ્રુપમાં ૮૬૪, “બી” ગ્રુપમાં ૧૬૨૫ અને “એબી” ગ્રુપમાં ૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષા સેશન ૧માં સવારે ૧૦ થી ૧૨ઃ૦૫ સમય દરમિયાન ફિઝિકલ કેમેસ્ટ્રી, સેશન ૨માં બપોરે ૧ થી ૨ઃ૦૫ સમય દરમિયાન બાયોલોજી અને સેશન ૩માં ૩થી ૪ઃ૦૫ સમય દરમિયાન મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટ પરીક્ષા ૨૦૨૩ અંતગર્ત જિલ્લા પરીક્ષા સ્થળો પર ૧૧ ઓબ્ઝર્વર તેમજ ૧૧ સંચાલકોની નિમણુક કરવામાં આવ્યા છે.
Recent Comments