fbpx
ગુજરાત

૩ પીએસઆઈ અને ૮૭ પોલીસકર્મીઓની એકસાથે બદલી
વડોદરાના કારેલીબાગના ૯૦ પોલીસ સ્ટાફની બદલીથી ખળભળાટ


વડોદરાના પોલીસ કમિશનર શરશેરસિંઘે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ ૮૭ પોલીસકર્મીઓની બદલી વહીવટી કારણોસર શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કરવાનો હુકમ કર્યો છે. સાથે જ આ જગ્યાઓ પર શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૮૯ પોલીસકર્મીઓની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ ૩ પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને અન્ય બે પોલીસ સ્ટેશનમાંથી ૨ પીએસઆઈની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરવામાં આવી છે. શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાસમ આલા કબ્રસ્તાન પાસે રાણા પંચની જમીન પર થયેલ દબાણ હટાવવા માટે ગત ૮ ફેબ્રુઆરીના રોજ પાલિકાની ટીમ પહોંચી હતી. જ્યાં વડોદરાના ડેપ્યુટી મેયર નંદાબેન જાેશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતાં. આ દરમિયાન ગેરકાયદે ફૂટસ્ટોલવાળાએ હુસેન સુન્નીએ ડેપ્યુટી મેયર સહિતનાઓ પર એલપીજી સિલિન્ડર ફેંકી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ૧૦ ફેબ્રુઆરીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ મહિડાની બદલી કરી લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતાં અને તેમના સ્થાને હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ દેસાઇને મુકવામાં આવ્યા હતાં. જ્યાર બાદ હવે પોલીસ કમિશ્નરે નવા પીઆઇ સિવાયના તમામ ૮૭ પોલીસકર્મીઓ અને ૩ પીએસઆઈની બદલી કરી નાખી છે. કારેલીબાગ ઉપરાંત જરૂર જણાશે તો અન્ય પોલીસ મથકનો પણ સંપુર્ણ સ્ટાફ બદલી કરી દેવાશે. જાેકે હાલ અન્ય પોલીસ મથકના કોઈ હુકમ કરાયા નથી. કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલીમાં ભાજપ શહેર પ્રમુખ ડો.વિજય શાહે ગૃહમંત્રીને કરેલી રજૂઆત કારણભૂત હોવાનું પણ મનાય છે. કાસમઆલા કબ્રસ્તાન પાસેના દબાણ વખતે સ્થાનિક બુટલેગર દ્વારા નંદા જાેષી અને ડો.હિતેન્દ્ર પટેલ પર કરાયેલા હુમલા બાદ ડો.વિજય શાહે ગૃહમંત્રી હર્ષ સંઘવીને કારેલીબાગ પોલીસ સ્ટેશનના અધિકારી અને સંપુર્ણ સ્ટાફની હિલચાલ શંકાસ્પદ હોવાની ફરિયાદ કરી હતી.આ પહેલા પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં ચાર્જ સંભાળનારા તત્કાલીન પીઆઈ દ્વારા એનઆરઆઈના લગ્નમાં ખોટો દારૂનો કેસ કરવા માટે રૂા.૭૦ થી રૂા.૮૦ હજારનો તોડ કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનના તમામ ૮૭ પોલીસકર્મીઓ અને ૩ પીએસઆઈની બદલીના આદેશ શહેર પોલીસ કમિશનરે કર્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે પીઆઇ મહિડાની પણ બદલી કરવામાં આવી હતી. આ સમગ્ર બદલીઓ દબાણ ખસેડવા ગયેલ પાલિકાના ડેપ્યુટી મેયર સહિતના સત્તાધિશો પર હુમલા બાદ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts