fbpx
રાષ્ટ્રીય

૬૦ વર્ષ બાદ ભારત આવશે કંબોડિયાના રાજા, કરાશે ભવ્ય સ્વાગત

લગભગ ૬૦ વર્ષ પછી કંબોડિયાના રાજા નોરોદોમ સિહામોની ત્રણ દિવસીય પ્રવાસ (મે ૨૯-૩૧) પર ભારત આવી રહ્યા છે. તેના પિતા છ દાયકા પહેલા ભારત આવ્યા હતા. ભારત રેડ કાર્પેટ પાથરીને સિહામોનીનું સ્વાગત કરવા માટે તૈયાર છે. કંબોડિયાના રાજા સિહામોની ૨૯ મેના રોજ દિલ્હી આવશે. ભારત અને કંબોડિયા રાજદ્વારી સંબંધોના ૭૦ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેઓ આ ખાસ અવસર પર ભારતની મુલાકાતે છે. ૧૯૫૨માં બંને દેશો (ભારત-કંબોડિયા) વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના કરવામાં આવી હતી. ભારતની મુલાકાત દરમિયાન કંબોડિયાના રાજા સિહામોની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રતિનિધિમંડળમાં રોયલ પેલેસના મંત્રી, વિદેશ મંત્રી સહિત કુલ ૨૭ અધિકારીઓ સામેલ થશે. ૩૦ મેના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ રાજઘાટ જશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે રાજાના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરશે. તેમની મુલાકાત દરમિયાન કંબોડિયાના રાજા સિહામોની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ સિવાય તેઓ ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળશે. લગભગ છ દાયકા પહેલા ૧૯૬૩માં નોરોદોમ સિહામોનીના પિતા ભારતની મુલાકાતે આવ્યા હતા. સિહામોનીની ભારત મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમની મુલાકાતથી ભારત અને કંબોડિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૭૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સિહામોનીની આ મુલાકાત ખૂબ જ ખાસ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે.

Follow Me:

Related Posts