૬૧ દેશોમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો નોંધાયો
યુકેમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર મશીન દ્વારા એર ફિલ્ટરેશન કરવામાં આવે તો હોસ્પિટલોના કોરોના વોર્ડસમાંથી કોરોના વાઇરસને દૂર કરી શકાય છે. જર્નલ ક્લિનિકલ ઇન્ફેકશિયસ ડિસિઝમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ અનુસાર હોસ્પિટલોના કોરોના વોર્ડસમાંથી હવામાં રહેલા કોરોના વાઇરસને દૂર કરવા માટે પોર્ટેબલ એર ફિલ્ટરેશન અને અલ્ટ્રાવાયોલેટ સ્ટરિલાઇઝેશન ઉપકરણો ઉપયોગી છે.દુનિયામાં હાલ યુરોપ જ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં કોરોનાના નવા કેસો અને મરણાંક સતત વધી રહ્યા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાના અઠવાડિક અહેવાલમાં જણાવ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં યુરોપમાં કોરોનાના કેસોની સંખ્યામાં પાંચ ટકાનો વધારો થયો છે. દુનિયામાં ગયા સપ્તાહે કોરોનાના કુલ ૩૩ લાખ કેસો નોંધાયા હતા જેમાંથી ૨૧ લાખ કેસો યુરોપમાં નોંધાયા હતા જે દેશોમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે તેમાં રશિયા, યુકે અને જર્મનીનો સમાવેશ થાય છે. હૂ યુરોપિયન યુનિયનમાં ૬૧ દેશોનો સમાવેશ કરે છે. જેમાં રશિયા અને મધ્ય એશિયાનો પણ સમાવેશ થાય છે. જે દેશોમાં રસીનો અભાવ છે તે દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકામાં પણ મરણાંક ઘટયો છે. જ્યારે નોર્વેમાં કોરોના મરણાંક ૬૭ ટકા અને સ્લોવાકિયામાં ૩૮ ટકા વધ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપને કોરોના મહામારીનું કેન્દ્ર ગણાવીને ચેતવણી આપી હતી કે મહામારીને નાથવા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો જાન્યુઆરી સુધીમાં બીજા પાંચ લાખ મોત જાેવા પડશે. ગયા સપ્તાહે ઓસ્ટ્રિયા અને નેધરલેન્ડઝે લોકડાઉન લાદ્યું હતું તો યુકે દ્વારા ૪૦ વર્ષથી વધારે વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ચેક પ્રજાસત્તાક દેશમાં કોરોનાના નવા ૨૨,૪૭૯ કેસો નોંધાયા હતા તો સ્લોવાકિયામાં નવા ૮,૩૪૨ કેસો નોંધાયા હતા. સ્લોવાકિયામાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાઇ જતાં સરકારે હવે રસી ન લેનારાઓ પર નવા નિયંત્રણો લાદવાનો ર્નિણય કર્યો છે. ચેક પ્રજાસત્તાકમાં દર એક લાખ રહેવાસીએ ચેપનો દર એક અઠવાડિયા પહેલા ૫૫૮ હતો તે આ અઠવાડિયે વધીને ૮૧૩ થઇ ગયો હતો. બીજી તરફ યુએસએમાં મિનેસોટા અને મિશિગનમાં આ અઠવાડિયે કોરોનાના ત્રણ હજાર દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં બેડની તંગી સર્જાઇ છે. મિનેસોટામાં પણ તમામ હોસ્પિટલોમાં બેડ ભરાઇ ગયા છે. યુએસમાં હાલ દરરોજ કોરોનાના ૪૦,૦૦૦ દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર મેળવવા દાખલ થઇ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં યુએસમાં સૌથી વધારે ચેપ દર મિશિગનમાં નોંધાયો છે. મિશિગનમાં દર એક લાખ વ્યક્તિએ ચેપનો દર ૫૦૩ છે બીજા સ્થાને મિનેસોટા છે જ્યાં ચેપનો દર એક લાખે વ્યક્તિએ ૪૯૦ છે. સમગ્રપણે યુએસમાં સ્થિતિ સુધરી રહી છે પણ નોર્થઇસ્ટ, રોકીઝ અને અપર મીડવેસ્ટમાં કોરોનાના કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. બીજી તરફ બાઇડન વહીવટીતંત્રે દર વર્ષે કોરોનાની રસીના એક અબજ ડોઝનું ઉત્પાદન કરવા માટે ફાર્માં કંપનીઓને નાણાં ધીરવાની ઓફર કરી છે.
Recent Comments