૭મી માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા
ગુજરાતમાં જ્યારે દિવસે ઉનાળાની દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી ૭ માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
અમદાવાદમાં ચાલુ રહેલા પવનોની અસરથી અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન ૧ ડીગ્રીનો ઘટાડો થયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૫.૦ અને લઘુતમ તાપમાન ૧૮.૨ ડીગ્રી નોંધાયું હતું. જાેકે આગામી ૨૪ કલાક ગરમીથી રાહત રહ્યા બાદ ૧૫ માર્ચથી ગરમીનો પારો ક્રમશ વધીને ૩૮ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૧ ડીગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે રાજ્યનાં ૧૪ શહેરમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીથી વધુ નોંધાયો હતો. પરંતુ પવનની દિશા બદલાતાં મહુવા અને વેરાવળને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો ૨થી ૩ ડીગ્રી વધી ૩૬-૩૭ ડીગ્રીએ પહોંચી શકે છે. જાેકે ૧૫ માર્ચ સુધીમાં ગરમી ૪૦ ડીગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતાં તાપમાન વધી રહ્યું છે.
રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ઉત્તર ગોળાર્ધની વસંત દરમિયાન લા નીના નબળું પડવાની શક્યતા છે. વેધર એક્સપર્ટના મતે, ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સીઝનમાં રેકોર્ડબ્રેક કરે એવી ગરમીની શક્યતા ના બરાબર બની રહી છે. ઉનાળુ સીઝનમાં ગરમીના ૬ રાઉન્ડ આવી શકે છે. આ ૬ રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ ૪૧થી ૪૩ ડીગ્રીની વચ્ચે રહે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં ત્રીજા, એપ્રિલ મહિનામાં પ્રથમ અને ચોથા તેમજ મે મહિનામાં પ્રથમ, બીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનો અનુભવ વધુ રહેશે.
આ વખતની સીઝનમાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જેને કારણે રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાને કારણે ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન ચારેક વખત વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેમાં એપ્રિલ મહિનાના બીજા તેમજ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં એમ ૨ વખત કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. કમોસમી વરસાદનું જાેર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સાથે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ રહી શકે છે.
Recent Comments